આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિવિધ મુદ્દાઓને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆતો કરી છે. ઇકો ઝોન, પાક વીમા સહિતના મુદ્દાઓ પર મુખ્યંત્રી સાથે વાત કરી હોવાનું જણાવ્યું છે.
''સોલાર ફાર્મ અને વિન્ડ ફોર્મ મિલકત વેરો લેવામાં આવે''
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ''મેં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અને તેમની સમક્ષ વિષય મુક્યો છે કે, ગુજરાતમાં બિન પરંપરાગત એટલે કે, રિન્યુબલ એનર્જીનું ઉત્પાદન વધી રહ્યું છે, ત્યારે સોલાર ફાર્મ અને વિન્ડ ફોર્મ એટલે કે, પવન ચકીઓની સંખ્યા ખુબ મોટા પાયે વધી રહી છે, પરંતુ આ સોલાર ફાર્મ અને પવન ચકીઓ ઉપર કોઈ પણ પ્રકારનો મિલકત વેરો લેવામાં આવતો નથી. પહેલા મોબાઈલના ટાવર ઉપર પણ મિલકત વેરો લેવામાં આવતો ન હતો પરંતુ હવે મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામા આવે છે''.
''પશુપાલકોને ભાડા પટ્ટાથી ઢોર બાંધવા માટેનો વાડો ફાળવે''
તેમણે કહ્યું કે, ''બીજો મહત્વનો વિષય મારા વિસ્તારના માલધારીઓ માટે રજૂ કર્યો હતો કે, જે માલધારીઓ પરંપરાગત રીતે છેલ્લા 10 વર્ષથી ગામડામાં પશુપાલન કરતા હોય અથવા છેલ્લા 15 વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલકોને ભાડા પટ્ટાથી ઢોર બાંધવા માટેનો વાડો ફાળવે, કારણ કે, પશુપાલકો માટે ઢોર બાંધવાનો વાડો નથી એટલે તેમને મજબૂરીમાં સરકારી જમીનમાં ઢોર બાંધવા પડે છે અને જેના કારણે તેમના પર કાર્યવાહી કરવામાં આવે છે. ખોટી ફરિયાદ કરવામાં આવે છે, પશુઓને લઈ જવામાં આવે છે''.
''આજે મેં મુખ્યમંત્રીને પાંચ રજૂઆતો કરી છે''
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, આજે મેં મુખ્યમંત્રીને પાંચ રજૂઆતો કરી છે જે પાંચે પાંચ રજૂઆત મારા મત વિસ્તારને લાગુ પડતી છે જ સાથો સાથ આખા ગુજરાતને પણ લાગુ પડતી છે, ત્યારે મુખ્યમંત્રીએ મારી વાત સાંભળી પણ છે અને કિધુ છે કે, આની ઉપર અમે જોઈશું અને ચર્ચા-વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું અને સરકાર સારા કામ કરવાના પ્રયત્ન કરે તેવી સરકાર પાસે મારી આશા છે.






