સુરત શહેરમાં વધતા ગેરકાયદેસર બાંધકામો અંગે મનપા તંત્રની કામગીરી સામે ધારાસભ્ય અરવિંદ રાણાએ સંકલન કમિટીમાં મહત્વપૂર્ણ અને કડક રજુઆત કરી છે, જેના કારણે સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રાણાએ આક્ષેપ કર્યો કે શહેરમાં જ્યાં–જ્યાં મનપાએ ગેરકાયદેસર બાંધકામો પર ડિમોલિશન કર્યું છે, ત્યાં થોડા સમય બાદ ફરીથી એટલી જ સરળતાથી નવા ગેરકાયદેસર બાંધકામ ઉભા થઈ ગયા છે. માત્ર એટલું જ નહીં, પરંતુ આવા ગેરકાયદેસર ઉભા કરાયેલા બાંધકામોને આકારણી ચોપડે નિયમ મુજબ રજીસ્ટ્રેશન પણ કરી દેવામાં આવ્યું હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે.
અરવિંદ રાણાએ શું કહ્યું?
અરવિંદ રાણાએ જણાવ્યું કે, જો કટ-ઓફ ડેટ બાદ નવા ગેરકાયદેસર બાંધકામ થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ઝોનના કર્મચારીઓ અને અધિકારીઓ પર નક્કી કરવી જરૂરી છે. તેમણે મનપા કમિશનરને અપીલ કરી કે ઝોનલ ચીફોને દાખલારૂપ પગલાં કરવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવે. તેમનું કહેવું છે કે તંત્રની અંદર જવાબદારી નક્કી કર્યા વગર ગેરકાયદેસર બાંધકામો સામે કાયદેસર કાર્યવાહી અસરકારક બની શકે નહીં.
ડિમોલિશન થયેલી મિલકતોની હાલની સ્થિતિની ચકાસણીની રજૂઆત
આ ઉપરાંત રાણાએ છેલ્લા ત્રણ વર્ષમાં તમામ ઝોનમાં ડિમોલિશન થયેલા મિલકતોની હાલની સ્થળ સ્થિતિની ફરજિયાત ચકાસણી કરવાની માંગ કરી છે, જેથી જાણી શકાય કે ક્યાંક ફરી બાંધકામ થઈ ગયું છે કે નહીં, અને જો થયું છે, તો તે કોની સહમતી અથવા બેદરકારી હેઠળ થયું છે. આ મુદ્દા સાથે સુરતના અન્ય વિકાસ સંબંધિત પ્રશ્નો પણ ઉઠાવાયા, ટ્રાફિક દબાણ, શહેરની વધતી આવનજાવન સમસ્યાઓ અને મેટ્રો પ્રોજેક્ટની ધીમી કામગીરી અંગે અન્ય ધારાસભ્યોએ પણ ચિંતાઓ વ્યક્ત કરી. જ્યાં–જ્યાં મેટ્રોનું કામ પૂર્ણ થયું છે, ત્યાંના બેરીકેટ્સ તરત હટાવીને રસ્તા ખુલ્લા કરવાની પણ માગણી કરવામાં આવી.
ગેરકાયદેસર બાંધકામો, વહીવટી તંત્રની જવાબદારી અને શહેરના વિકાસ કાર્યો વચ્ચેનો આ મુદ્દો હવે વધુ ગરમાયો છે. અરવિંદ રાણાની રજુઆત બાદ મનપા તરફથી આગળ શું કડક પગલાં લેવામાં આવે છે, તે અંગે હવે સમગ્ર શહેરની નજર તંત્ર પર ટકેલી છે.






