ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ ફરી એકવાર દુર્ઘટનાનું કેન્દ્ર બની છે. છેલ્લા 24 કલાક દરમિયાન બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થયા છે. આ બનાવોમાં ખાસ કરીને કરુણતા એ છે કે એક યુવકને બચાવવા જતા બીજો યુવક પણ પોતાનો જીવ ગુમાવી બેઠો. અત્યાર સુધીમાં બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ ચાલુ છે. સમગ્ર મામલે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
પહેલી ઘટના
પ્રથમ ઘટના લીંબડીયા અને કરાઈ વચ્ચે વલાદ નજીક બની હતી. પોલીસ મુજબ, ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા કેનાલ કાંઠે ગયા હતા. ત્યાં હાથપગ ધોવા દરમિયાન એક યુવકનો પગ લપસતાં તે પાણીમાં ખાબક્યો હતો. તેને બચાવવા બીજો યુવક પણ કેનાલમાં ઉતર્યો, પરંતુ બંને જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો.
આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી. કામગીરી દરમિયાન સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે રોશનની શોધ હજુ સુધી ચાલુ છે. બંને યુવકો પિતરાઈ ભાઈઓ હોવાનું સામે આવ્યું છે.
બીજી દુર્ઘટના
બીજો બનાવ દહેગામ-નરોડા હાઈવે પર રાયપુર નજીક બન્યો હતો. નરોડા વિસ્તારમાં રહેતા નિખિલ જયંતિભાઈ વાઘેલા પરિવાર સાથેના મતભેદને કારણે ઘરેથી નીકળી ગયો હતો અને કેનાલમાં ઝંપલાવી દીધું હતું. તેને બચાવવા માટે પાછળથી આવેલો તેનો ભાઈ પણ પાણીમાં ઉતર્યો, પરંતુ બંને આંખના પલકારે પાણીમાં અદ્રશ્ય થઈ ગયા.
ફાયર બ્રિગેડ દ્વારા ચલાવવામાં આવેલી શોધખોળ દરમિયાન નિખિલ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે તેના ભાઈનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થતાં તેઓ આકસ્મિક રીતે આ પગલું ભર્યું હતું.
આ પણ વાંચો: રાજ્યની 53 હજાર આંગણવાડી બહેનોને થશે મોટો લાભ : ગુજરાત સરકારે કર્યું છે વિશેષ આયોજન
હાલમાં બંને બનાવોમાં કુલ બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે અને બે યુવકો હજુ લાપતા છે. સતત ચાલી રહેલી શોધખોળ છતાં કોઈ પત્તો લાગ્યો નથી. આ દુર્ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે અને કેનાલ કાંઠે સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી રહી છે.





