Gandhinagar: દેશના રાજકારણમાં ફરી એકવાર ભાષા અને પ્રદેશ આધારિત વિવાદ ઉગ્ર બન્યો છે. ગુજરાતી vs મરાઠી બાદ હવે તૃણમૂલ કોંગ્રેસની સાંસદ મહુઆ મોઇત્રાના એક નિવેદન બાદ ‘બંગાળી vs ગુજરાતી’ મુદ્દે ભારે ચર્ચા અને રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ છે. સ્વતંત્રતા સંગ્રામમાં વિવિધ રાજ્યોના યોગદાન અંગે કરાયેલા નિવેદને સોશિયલ મીડિયા થી લઈને રાજકીય મંચ સુધી તીવ્ર પ્રતિસાદ ઉભો કર્યો છે.
આ મામલે ગુજરાતના ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગૌતમ ગેડીયાએ ગાંધીનગર કમલમમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન ન હોવાનું આપેલું નિવેદન બેબુનિયાદ, તથ્યહિન, વાહિયાત, હલકી કક્ષાનું અને અસ્વીકાર્ય છે.
"હુતાત્માઓ અને સ્વતંત્રતા સેનાનીઓનું ઘોર અપમાન"
તેઓ વધુમાં બોલ્યા, "મહુઆ મોઇત્રાનું નિવેદન માત્ર ગુજરાતીઓનું જ નહીં, પરંતુ તમામ હુતાત્માઓ અને સ્વતંત્રતા સેનાનીઓનું ઘોર અપમાન છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, વીર સાવરકરને આઝાદીની લડતમાંથી બાદ કરવા એ કયા પ્રકારની માનસિક વિકૃતિ છે?"
ગુજરાતના બલિદાનનો જીવંત પુરાવો
તેમણે વધુમાં ગુજરાતના બલિદાનનો પુરાવો આપતા જણાવ્યું, "માનગઢ હિલ ખાતે ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500થી વધુ આદિવાસી ભાઈ-બહેનોએ આપેલી શહીદી એ ગુજરાતના બલિદાનનો જીવંત પુરાવો છે."
"શું તમે કોઇની પાસેથી પૈસા લઈને આ નિવેદન આપ્યું છે?"
સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન નથી તેવા ટીએમસી નિવેદન અંગે યુપીએ ગઠબંધન અને કોંગ્રેસને સ્પષ્ટતા કરવા પડકાર ફેંકતા ગૌતમ ગેડીયાએ કહ્યું કે "શું તમે મહુઆ મોઇત્રાના આ નિવેદન સાથે સહમત છો કે કેમ?" સાથે જ મહુઆ મોઇત્રા પર નિશાન સાધતાં કહ્યું કે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદને પણ પૂછવા માંગુ છું કે "શું તમે કોઇની પાસેથી પૈસા લઈને આ નિવેદન આપ્યું છે?"
મહુઆ મોઇત્રાનું વિવાદિત નિવેદન
આ પણ વાંચો: ગુજરાતી vs મરાઠી બાદ હવે ગુજરાતી vs બંગાળી વિવાદ : મહુઆ મોઇત્રાનું એક નિવેદન અને સ્વતંત્રતા આંદોલન અંગે રાજકીય ઘર્ષણ તેજ
ચૂંટણી સમયે પ્રાંતવાદ અને ભાષાવાદના નામે દેશની એકતા અને અખંડિતતા પર પ્રહાર કરવાની આ માનસિકતાનો જનતા ચોક્કસપણે જડબાતોડ જવાબ આપશે.





