Home Gujarat Minor Girl Raped In Ahmedabad After Being Locked In House After Threatening Tomake Photos Viral

અમદાવાદમાં સગીરા પર યુવકે આચર્યું દુષ્કર્મ : ઘરમાં ગોંધી રાખી, ફોટા વાઇરલ કરવાની ધમકી, જાણો કેવી રીતે પ્રેમજાળમાં ફસાવી?

અમદાવાદમાં સગીરા પર યુવકે આચર્યું દુષ્કર્મ
Published by: OBS Bureau
Last Updated: May 23, 2025, 02:16 PM IST

અમદાવાદ: શહેર કોટડામાં અનિલ સ્ટાર્ચ મીલ રોડ હીરાવાડીમાં રહેતા એક યુવકે તે વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરા સાથે સોશિયલ મિડીયા દ્વારા મિત્રતા કેળવીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેને રાતના સમયે મળવા નહી આવે તો સોશિયલ મિડીયામાં ફોટો વાયરલ કરી દેશે તેવી ધમકી આપી હતી. બાદમાં સગીરા ગભરાઇને યુવકને મળવા માટે ગઇ હતી. જ્યાં યુવકે તેને બપોરના 12 વાગ્યા સુધી ગોંધી રાખીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે શહેરકોટડા પોલીસે યુવક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

શહેર કોટડાના હીરાવાડી અનિલ સ્ટાર્ચ મીલ રોડ પર આવેલી એક ચાલીમાં 14 વર્ષની સગીરા પરિવાર સાથે રહે છે. જેમાં પરિવારના સભ્યો રાત્રીએ અગાશી પર સુતા હતા ત્યારે રાતના ત્રણ વાગે માતા જાગી ત્યારે જોયુ તો તેમની ૧૪ વર્ષની પુત્રી ત્યાં હાજર નહોતી. જેથી મહિલાએ તેના પતિ અને અન્ય પરિવારજનોને જગાડયા હતા. તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ સવારે 11 વાગ્યા સુધી કોઇ મળી નહોતી.

બીજી તરફ મહિલાએ તેમના દિયરની પુત્રીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમના વિસ્તારમાં રહેતા જય ઠાકોર નામનો ૨૨ વર્ષનો યુવક સગીરાના સંપર્કમાં હતો. જેથી પરિવારના સભ્યોએ જયના ઘરમાં જઇને તપાસ કરી ત્યારે સગીરા ગભરાઇ ગયેલી હાલતમાં મળી આવી હતી.

પરિવારજનોએ તેને વિશ્વાસમાં લઇને પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે જય ઠાકોરે એક વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પરથી ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલીને તેની સાથે પ્રેમની વાત કરીને ભોળવીને વિશ્વાસમાં લીધી હતી. તે ટયુશન ક્લાસ સુધી પીછો કરતો હતો. આ દરમ્યાન તેણે બંનેના ફોટો પાડયા હતા.

તેણે સગીરાને ધમકી આપી હતી કે રાતના બધા જ સુઇ જાય પછી ઘરે આવજે અને જો નહી આવે તો ફોટો વાયરલ કરીને બદનામ કરશે. જેથી સગીરા ડરીને જયના ઘરે પહોંચી ત્યારે તેણે તેની સાથે ચાર વખત દુષ્કર્મ કર્યુ હતુ. આ અંગે શહેરકોટડા પોલીસે જય ઠાકોર સામે પોક્સો, દુષ્કર્મ સહિતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now