ઉપરવાસમાં વધુ વરસાદના પરિણામે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગાંધીનગર ખાતે આવેલા સંત સરોવર બેરેજની જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રત્યક્ષ મુલાકાત કરીને અધિકારીઓ સાથે સમીક્ષા યોજી હતી. મંત્રી કુંવરજીએ આ મુલાકાત દરમિયાન ગાંધીનગર મહાનગરપાલિકા સહિત સંબંધિત અધિકારીઓને નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.
ધરોઈ બંધમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો
ધરોઇ બંધના ઉપરવાસમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકાઓ તેમજ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં 100 થી 300 મીમી સુધીનો વરસાદ થતાં ધરોઈ બંધમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના પગલે ધરોઇ બંધમાંથી તા.23 ઓગસ્ટ-2025 થી ક્રમશ: પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે.
ધરોઇ બંધની જળસપાટી 617.22 ફૂટ
ધરોઇ બંધના નીચાણવાસમાં આવેલા વલાસણા, હીરપુરા, લાકરોડા, સંત સરોવર અને વાસણા બેરેજ ખાતે પણ પાણીની નોંધપાત્ર આવક થઈ છે. હાલમાં ધરોઇ બંધની જળસપાટી 617.22 ફૂટ છે તથા 82 ટકા જેટલો પાણી સંગ્રહ થયો છે. ધરોઇ બંધમાં પાણીની આવક 42,681 ક્યુસેક અને જાવક 38,976 ક્યુસેક છે.






