નવા વર્ષની શરૂઆત સાથે ગાંધીનગર ખાતે ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરોનો ભવ્ય જમાવડો જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને અનેક અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં લાઈમલાઈટમાં રહ્યાં હતા રિવાબા જાડેજા
જોકે, આ મહાનુભાવોની વચ્ચે એક એવી વ્યક્તિ હતી જેણે આખા કાર્યક્રમમાં લાઈમલાઈટ પોતાની તરફ ખેંચી લીધી. અને એ હતા રાજ્યકક્ષાની શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા. કાર્યક્રમમાં હાજર મોટા ભાગના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, કાઉન્સિલરો અને કાર્યકરો રિવાબા જાડેજા સાથે ફોટો પડાવવા માટે કતારમાં ઉભા હતા.
આખા સમારોહમાં ચર્ચાનો મુખ્ય કેન્દ્રબિંદુ રિવાબા જાડેજા જ રહ્યાં
ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની હાજરી વચ્ચે પણ રિવાબાએ લોકપ્રિયતાના મામલે સૌને પાછળ પાડી દીધા. રિવાબા જાડેજા, ઈન્ડિયન ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની પત્ની તરીકે રાજકારણમાં પ્રવેશ કરતાં પહેલાં જ એક જાણીતી સેલિબ્રિટી રહી ચૂક્યા છે. તેમના ઈન્ટાગ્રામમાં સારા એવા ફોલોર્સ પણ છે. તેમનો વ્યક્તિત્વ, સૌમ્યતા અને લોકસંપર્કના કારણે ભાજપના કાર્યકરોમાં તેમની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. આ કાર્યક્રમ નૂતન વર્ષાભિનંદન સમારોહ તરીકે યોજાયો હતો, જ્યાં રાજ્યના વિવિધ જિલ્લાઓથી ભાજપના નેતાઓ અને કાર્યકરો એકઠા થયા હતા. પરંતુ આખા સમારોહમાં ચર્ચાનો મુખ્ય કેન્દ્રબિંદુ રિવાબા જાડેજા જ રહ્યાં જેમણે પોતાના સૌજન્યસભર વર્તન અને આત્મવિશ્વાસથી દરેકનું મન જીતી લીધું.






