Home Gujarat Minister Bachubhai Khabar Should Resign On Moral Grounds For Impartial Investigation Into Dahod Mnrega Corruption

દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ થાય : નૈતિકતાના ધોરણે મંત્રી બચુભાઈ ખાબડ રાજીનામું આપે : કોંગ્રેસ

દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ  થાય
Published by: OBS Bureau
Last Updated: May 17, 2025, 06:12 PM IST

ગુજરાતમાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપાના શાસકો – મળતિયાઓ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની તિજોરી તળિયા જાટક થઇ રહી છે અને ગરીબ – સામાન્ય – મધ્યમ વર્ગ લુંટાઈ રહ્યો છે. ત્યારે દાહોદ જીલ્લાના બે તાલુકામાં ૭૧ કરોડના ભ્રષ્ટાચાર – કૌભાંડમાં ભાજપા સરકારના મંત્રી પુત્રોની સંડોવણી બાદ થયેલ ધરપકડ અંગે ભાજપા સરકારના મંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, મનરેગા યોજના ગરીબ – શ્રમિક વર્ગને 100 દિવસના રોજગારની ગેરંટી કાયદા હેઠળ રોજગાર આપવાને બદલે ભાજપના નેતાઓ અને એમના મળતિયાઓએ ખિસ્સા અને તિજોરી ભરવાનું કામ કર્યું છે. જાન્યુઆરી મહિનામાં ફરિયાદ પુરાવાઓ સાથે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોએ સરકારને આપી હતી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે દાહોદ જીલ્લામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો મળી છે.

એમાં રાજ્ય સરકારના મંત્રી અને એમના પરીવારના લોકોની એજન્સીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. અનેક ગામો એવા છે જ્યાં માટી-મેટલ રસ્તા, આર.સી.સી. રોડ, કુવાના કામ હોય, ચેકડેમના કામ, વોટરશેડ અને મનરેગાના અનેક કામો છે જ્યાં સ્થળ પર એકપણ કામ કરવામાં આવ્યું નથી. એની સામે બારોબાર લાખો રૂપિયા ઉપાડી ચુકવવામાં આવ્યા છે. દાહોદ મનરેગા ભ્રષ્ટાચારમાં ભાજપાના મંત્રી પુત્રો અને મળતિયાઓએ આદિવાસી સમાજના હજારો પરિવારના રોજગારના અધિકારના હક્કના નાણા ચાંઉ કરી ગયાની હકીકતો સામે આવી રહી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સુચનાથી કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિમંડળે દાહોદના દેવગઢ – ધાનપુર તાલુકાના ગામોમાં રૂબરૂ જઈને મનરેગામાં થયેલા કામો, ભ્રષ્ટાચાર અને ગેરરીતીની વિગતો મેળવી હતી. ત્યાર બાદ જીલ્લા કક્ષાએ તપાસની શરૂઆત થઇ, જીલ્લાના ડી.ડી.ઓ., ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર, ટી.ડી.ઓ.એ તપાસ કરી જેમાં ૩૫ જેટલી એજન્સીઓ દ્વારા ૭૧ કરોડનું કૌભાંડ થયું હોય એવી એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. જે એજન્સીઓ સામે FIR નોંધવામાં આવી એમાં રાજ્ય સરકારના મંત્રીના પરિવારના લોકો પ્રોપરાઈટર છે.

એજન્સીના ભાગીદાર હોવાની હકીકતો બહાર આવી છે. FIRમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અનેક કામો એવા છે જે સ્થળ પર થયા જ નથી અને લાખો રૂપિયા બારોબાર ચુકવવામાં આવ્યા છે. આ કોઈ એક દિવસનું કૌભાંડ તો છે નહિ, છેલ્લા કેટલાય વર્ષોથી કૌભાંડ ચાલે છે. તપાસ તો ફક્ત દેવગઢ અને ધાનપુર તાલુકાની જ છે, થોડા જ ગામોની તપાસ થઇ છે અને ૭૧ કરોડનું કૌભાંડ હોવાનું બહાર આવ્યું છે. જો આખા દાહોદ જીલ્લાની તપાસ કરવામાં આવે તો ૨૦૦ કરોડ આસપાસના ભ્રષ્ટાચારની હકીકતો બહાર આવશે. અને ખાલી એક સરકારના મંત્રીની સંડોવણી નહિ પણ ભાજપના અનેક નેતાઓની સંડોવણી બહાર આવશે. “ભ્રષ્ટાચારીઓ પર પગલા લઈએ છીએ એવા મુખ્યમંત્રી દાવા કરે, વાહવાહી મેળવે” પણ જયારે પોતાના જ મંત્રીમંડળના એક મંત્રીના પુત્રોની કંપની દ્વારા મનરેગામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોય, એફ.આઈ.આર. થતી હોય ત્યારે દાહોદ મનરેગા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ માટે નૈતિકતાના ધોરણે મંત્રી બચુભાઈ ખાબડ રાજીનામું આપે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now