Home Gujarat Mihir Made The State And His Family Proud By Getting Air 709

નવસારીના મિહિર પટેલનો UPSC માં વાગ્યો ડંકો! : મિહિરે AIR 709 મેળવી પરિવાર સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું

નવસારીના મિહિર પટેલનો UPSC માં વાગ્યો ડંકો!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 01:44 PM IST

UPSC : UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) એ આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025 નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરતમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1 તરીકે ફરજ બજાવતા મૂળ નવસારી જિલ્લાનાં ગણદેવી તાલુકાના નાંદરખા ગામના 26વર્ષીય મિહિર પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક(AIR)709 હાંસલ કરી ઝળહળતી સિદ્ધી મેળવી છે.

પારિવારિક પૃષ્ઠભૂમિ અને શૈક્ષણિક સફર

હાલ સુરત બહુમાળી ભવનમાં મદદનીશ નોંધણી સર નિરીક્ષકની કચેરી-સુરતના તાબા હેઠળની સબ રજિસ્ટ્રાર કચેરી-ઉધનામાં સબ રજિસ્ટ્રાર(ગ્રેડ 1) વર્ગ-3 તરીકે ફરજ બજાવતા મિહિર રાજેન્દ્રભાઈ પટેલના પરિવારમાં મમ્મી અને મોટી બહેન છે. તેમણે વર્ષ 2020 માં B.E ઇન ITની સ્નાતક ડિગ્રી મેળવી એ જ વર્ષે અમદાવાદ સ્પીપામાં સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી માટે પ્રવેશ મેળવ્યો હતો. 1 વાર નિષ્ફળતા, 3 વાર પ્રિલિમ્સ પાસ કર્યા બાદ પાંચમાં પ્રયાસે મિહિરે AIR 709 મેળવી પરિવાર સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું છે.

સફળતા પાછળની પ્રેરણા અને વારસો

છેલ્લા 6 વર્ષથી UPSC ની પરીક્ષાની તૈયારી કરતા મિહિરે કહ્યું કે, પિતા સ્વ.રાજેન્દ્રભાઈના આગ્રહથી હું નાનપણથી જ નિયમિત ન્યુઝ પેપર વાંચતો હતો. અને તેમાં છપાતા કલેકટર કે કમિશનરના લેખોમાં તેમણે કરેલા અભ્યાસ, સંઘર્ષભર્યા પરિશ્રમથી ખૂબ પ્રેરણા મળતી હતી. કોલેજના અભ્યાસ દરમિયાન જનરલ નોલેજ, કરંટ અફેર્સના વાંચનની ઘરેડ પાડી હતી. તેમણે કહ્યું કે, મારી મમ્મી સરકારી શાળામાં શિક્ષિકા છે અને મારા સ્વર્ગસ્થ પિતા હંમેશાથી મને મોટાં સરકારી અધિકારી બનાવવા માંગતા હતા. પરિવારે સતત મારા ધ્યેય તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી અને આખરે સફળતા મળી છે.

UPSC માં સફળતાના મૂળ મંત્રો

પોતાની વિશેષ તૈયારી માટે તેમણે કહ્યું કે, UPSC માં સફળતા માટે શિસ્તબદ્ધ નિયમિત તૈયારી, સકારાત્મક અપ્રોચ અને સારું મિત્ર વર્તુળ અત્યંત આવશ્યક છે. શિસ્તબદ્ધ તૈયારી તમને અપડેટેડ રાખે છે. સકારાત્મક અપ્રોચ નિરાશાથી બચાવે છે અને સારું મિત્ર વર્તુળ સતત આગળ વધવા અને વધુ સારું કરવા પ્રોત્સાહન આપે છે. જે UPSC જેવી પરીક્ષામાં સફળતા મેળવવા મૂળ મંત્ર જેવા છે.

સમય વ્યવસ્થાપન અને ભાવિ ઉમેદવારોને શીખ

મિહિરે કહ્યું કે, પરીક્ષાના સમય પ્રમાણે હું સાપ્તાહિક, માસિક અને દૈનિક આયોજન કરી વાંચન કરતો હતો. સાથે જ ભવિષ્યમાં UPSC સહિતની જાહેર સેવાઓને પરીક્ષાઓમાં સિદ્ધિ મેળવવા ઈચ્છતા અન્ય યુવાઓને તેમણે સ્વનિરીક્ષણ અને સતત અપગ્રેડેશન સાથે પરિણામલક્ષી નહીં, પરંતુ પ્રયત્નલક્ષી પરિશ્રમ કરવા શીખ આપી હતી.

સાથી અધિકારીઓ અને સ્ટાફ દ્વારા અભિનંદન

મિહિર પટેલને મદદનીશ નોંધણી સર નિરીક્ષક ડૉ. દિવ્યેશ પટેલ, હેડ ક્વાર્ટર સબ રજીસ્ટ્રાર અજિતસિંહ રાઠોડ, સબ રજીસ્ટ્રાર ગ્રેડ -01 અંજનાબેન મોંગલપરા અને નોંધણી પરિવારના અધિકારીઓ અને કર્મચારીઓ અને મિત્રવર્તુળે ઝળહળતી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now