Middle East Crisis: પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. 18 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી એકવાર વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન સીધેસીધા સામસામે આવી ગયા છે. ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકી સેનાએ બે નાગરિક નૌકાઓને નિશાન બનાવતા પાંચ લોકોના મોત નિપજ્યા છે, જેના કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં ભારે તણાવ વ્યાપી ગયો છે. આ ઘટનાઓની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પણ જોવા મળી રહી છે, જ્યાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં અચાનક 6 ટકાનો વધારો ઝીંકાયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા બહેરીન દ્વારા દેશમાં 'નેશનલ ઈમરજન્સી' જાહેર કરવામાં આવી છે.
UAE ના ઓઈલ હબ પર ડ્રોન એટેક
યુનાઈટેડ આરબ અમીરાત (UAE) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે ફુજૈરાહ સ્થિત તેની મહત્વની તેલ સુવિધા પર ઈરાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે તેલ કેન્દ્ર પર ભયાનક આગ લાગી હતી. મહત્વનું છે કે, આ કેન્દ્ર હોર્મુઝની ખાડીને બાયપાસ કરતું મુખ્ય પાઈપલાઈન હબ છે, જેના પરના હુમલાથી તેલ સપ્લાય ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત ઓમાનમાં પણ રહેણાંક વિસ્તારોમાં હુમલા થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
આ પણ વાંચો: બંગાળમાં વિજય બાદ સુરતમાં ભાજપનો ઉત્સાહ છલકાયો : જાલમુરી ખાઈને કરાઈ ઉજવણી, 'વંદે માતરમ'ના નારા ગૂંજ્યા
ટ્રમ્પની કડક ચેતવણી: 'ઈરાનને દુનિયાના નકશા પરથી મિટાવી દઈશું'
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ધમકી આપતા ટ્રમ્પે જણાવ્યું છે કે, જો ઈરાન અમેરિકી જહાજો કે હિતોને નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખશે, તો તેને પૃથ્વી પરથી 'નેસ્તનાબૂદ' કરી દેવામાં આવશે. ટ્રમ્પે ઈરાનના આ કૃત્યોને ગંભીર ગણાવ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા પોતાના જહાજોના રક્ષણ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
વૈશ્વિક અર્થતંત્ર અને તેલના બજાર પર માઠી અસર
આ સંઘર્ષની સૌથી મોટી અસર તેલના બજાર પર પડી છે. હોર્મુઝની ખાડી વિશ્વના તેલ વેપાર માટે જીવનરેખા સમાન છે અને ત્યાં વધતા તણાવને કારણે ગ્લોબલ માર્કેટમાં ઓઈલના ભાવ 6 ટકા વધી ગયા છે. બ્રિટિશ સેનાએ પણ અમીરાત તટ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી છે, જે દર્શાવે છે કે સમુદ્રી માર્ગો હવે સુરક્ષિત રહ્યા નથી. બીજી તરફ, ઈરાને આ હુમલાઓમાં પોતાનો હાથ હોવાનો ઈનકાર કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકાની સૈન્ય કાર્યવાહીની ટીકા કરતા તેને 'પ્રોજેક્ટ ડેડલોક' ગણાવ્યો છે. હાલમાં મિડલ ઈસ્ટની સ્થિતિ ગમે ત્યારે મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે તેવી નાજુક બની ગઈ છે.





