Israel Iran War: મધ્ય-પૂર્વ ફરી એકવાર વિનાશક યુદ્ધના ઉંબરે આવીને ઊભું છે. બે અઠવાડિયાના અસ્થાયી સીઝફાયર (યુદ્ધવિરામ) ની સમયમર્યાદા બુધવાર, 22 એપ્રિલની સાંજે પૂર્ણ થઈ રહી છે. ભારતીય સમય અનુસાર, ગુરુવારે વહેલી સવારે આ ડેડલાઇન ખતમ થશે, અને તે પહેલાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોએ દુનિયાભરમાં ચિંતા વધારી દીધી છે. એવું લાગી રહ્યું છે કે શાંતિની આશા હવે માત્ર ગણતરીના કલાકો પૂરતી જ સીમિત છે. આગામી 24 કલાક સમગ્ર વિશ્વ માટે અત્યંત નિર્ણાયક સાબિત થવાના છે. એક તરફ ઇઝરાયેલની સેના હાઈ એલર્ટ પર છે, તો બીજી તરફ ઈરાને પણ વળતા પ્રહારની તૈયારીઓ કરી લીધી છે. જો આ નિર્ધારિત સમય સુધીમાં કોઈ રાજદ્વારી સમજૂતી નહીં થાય, તો મધ્ય-પૂર્વમાં ફરી એકવાર મિસાઇલો અને બોમ્બમારો શરૂ થઈ શકે છે. ટ્રમ્પની ચેતવણી અને ઈરાનના આક્રમક વલણે રાજદ્વારી વાટાઘાટોને મુશ્કેલ બનાવી દીધી છે.
'ઈરાનમાં અમારું કામ હજુ બાકી છે' - નેતન્યાહુનો હુંકાર
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ઇઝરાયેલ પાછળ હટવાના મૂડમાં નથી. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઈરાન સામે ઇઝરાયેલનું ઓપરેશન હજુ પૂરું થયું નથી. ત્યાં અમારું કામ હજુ પણ બાકી છે." આ નિવેદનને સંભવિત સૈન્ય કાર્યવાહીના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. ઇઝરાયેલ લાંબા સમયથી ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ્સ અને આતંકી સંગઠનોને મળતી મદદને નિશાન બનાવી રહ્યું છે, અને હવે તે નિર્ણાયક તબક્કે પહોંચ્યું હોય તેમ જણાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી: "સમજૂતી નહીં થાય તો બોમ્બ ફૂટશે"
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે જો બુધવાર સાંજ સુધીમાં કોઈ નક્કર પરિણામ નહીં આવે, તો સીઝફાયર લંબાવવાની શક્યતા નહિવત છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું કે, "જો વાતચીત સફળ નહીં રહે, તો ફરીથી બોમ્બ ધડાકા શરૂ થઈ જશે." ટ્રમ્પે એમ પણ દાવો કર્યો કે તેમણે પોતાના પ્રતિનિધિઓને પાકિસ્તાન મોકલ્યા છે જેથી વાટાઘાટો થઈ શકે, પરંતુ ઈરાન તરફથી કોઈ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી.
આ પણ વાંચો: હવે નહીં ખૂટે ઓઇલ કે ગેસ! : ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે ભારતીય સેનાનો 'માસ્ટર પ્લાન' તૈયાર, જાણો શું છે રણનીતિ
દરિયાઈ રસ્તે તણાવ વધ્યો: ઈરાની જહાજ જપ્ત કરાયું
તણાવ વધવાનું એક મુખ્ય કારણ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) પાસે અમેરિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે અમેરિકાએ એક ઈરાની માલવાહક જહાજ જપ્ત કર્યું છે, જે નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઈરાની સેનાએ આને 'દરિયાઈ લૂંટ' ગણાવી છે અને ચેતવણી આપી છે કે તેઓ જલ્દી જ આનો બદલો લેશે. ઈરાનના મતે આ જહાજ ચીનથી આવી રહ્યું હતું અને અમેરિકાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
ઈરાનનો પલટવાર: "ધમકીના છાયામાં વાતચીત નહીં થાય"
ઈરાનના સંસદ સ્પીકર અને ટોચના નેતા મોહમ્મદ ગાલિબાફે ટ્રમ્પ પર કૂટનીતિને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. ગાલિબાફે કહ્યું કે વોશિંગ્ટન ઈરાનને શરણે આવવા મજબૂર કરવા માંગે છે, પરંતુ ઈરાન દબાણમાં આવીને કોઈ સમજૂતી કરશે નહીં. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "જો તણાવ વધશે તો ઈરાન યુદ્ધના મેદાનમાં નવા પત્તા ખોલવા માટે તૈયાર છે."
શા માટે આગામી 24 કલાક મહત્વના છે?
સીઝફાયર એન્ડ: 22 એપ્રિલની સાંજે બે અઠવાડિયાનો યુદ્ધવિરામ પૂરો થઈ રહ્યો છે.
સૈન્ય સજ્જતા: ઇઝરાયેલ અને ઈરાન બંનેની સેનાઓ સરહદ પર અને વ્યૂહાત્મક સ્થળોએ ગોઠવાયેલી છે.
ડિપ્લોમેટિક ફેઈલ્યોર: અમેરિકાના ડેપ્યુટી પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને અન્ય અધિકારીઓ પાકિસ્તાન પહોંચે તે પહેલાં જ મંત્રણા નિષ્ફળ જતી દેખાઈ રહી છે.
વિશ્વભરની નજર હવે આ 24 કલાક પર ટકેલી છે. જો કોઈ ચમત્કાર નહીં થાય, તો મધ્ય-પૂર્વ ફરી એકવાર લોહિયાળ જંગનો સાક્ષી બનશે.





