Iran Conflict News: મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધના તણાવ વચ્ચે ઉર્જા સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે ભારતીય સેનાએ ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા અને ઈંધણની આત્મનિર્ભરતા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરંદેશી યોજના તૈયાર કરી છે. ઈરાન અને મધ્ય પૂર્વના દેશોમાં વધતી અસ્થિરતાને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના સપ્લાય પર મોટું જોખમ ઉભું થયું છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે મોટાભાગે આ દેશો પર નિર્ભર છે, ત્યારે કોઈપણ કટોકટીમાં લશ્કરી કામગીરીને અસર ન પહોંચે તે માટે ભારતીય સેનાએ 'એનર્જી મેનેજમેન્ટ'નો વ્યાપક પ્લાન અમલમાં મૂક્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત અશ્મિભૂત ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) પરની નિર્ભરતા ઘટાડીને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો તરફ વળવાનો છે.
LPG માં 20 ટકા કાપ અને બાયોગેસ પર ભાર
સેનાના આ માસ્ટર પ્લાન હેઠળ રસોઈ ગેસ એટલે કે LPGના વપરાશમાં મોટો ઘટાડો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે સેનાએ મોટા પાયે બાયોગેસ સ્ટવ્સની ખરીદી શરૂ કરી દીધી છે. સેનાનો અંદાજ છે કે બાયોગેસના મહત્તમ ઉપયોગથી દરરોજ વપરાતા LPGમાં આશરે 20 ટકા સુધીની સીધી બચત કરી શકાશે. આ પગલું માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ કટોકટીના સમયે ઈંધણના જથ્થાને સુરક્ષિત રાખવા માટે પણ અત્યંત મહત્વનું સાબિત થશે.
પરિવહન માટે નવી નીતિ: 400 કિમીની મર્યાદા અને વ્હીકલ પુલિંગ
ઇંધણના વ્યયને રોકવા માટે સેનાએ વાહન વ્યવહારના નિયમોમાં પણ ધરખમ ફેરફારો કર્યા છે. હવેથી સેનાના કર્મચારીઓની સામાન્ય અવરજવર 400 કિલોમીટરની મર્યાદામાં રાખવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, 'વ્હીકલ પુલિંગ' (વાહનોનો સંયુક્ત ઉપયોગ) અને સંકલિત ઓપરેશન્સ દ્વારા ઈંધણ બચાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. લશ્કરી ક્ષમતા અને સુરક્ષા સાથે બાંધછોડ કર્યા વગર બિનજરૂરી ફ્લાઇટ ઓપરેશન્સમાં પણ સંયમ રાખવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: નાગપુરમાં નાસિક TCS જેવો કેસ આવ્યો સામે : કર્મચારીઓ પર ધાર્મિક દબાણનો આક્ષેપ, સંચાલકની ધરપકડ
સોલાર એનર્જી અને EV દ્વારા આત્મનિર્ભરતા તરફ પ્રયાણ
સેના આગામી વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહનો (EV) અને CNG આધારિત ટ્રાન્સપોર્ટેશનને વધુ પ્રોત્સાહન આપવા જઈ રહી છે. એટલું જ નહીં, સેના હસ્તકની ખાલી જમીનો પર વિશાળ સોલાર પ્લાન્ટ્સ અને પવનચક્કીઓ સ્થાપવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ દ્વારા ભારતીય સેના ઉર્જા ક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહી છે, જેથી વૈશ્વિક બજારમાં તેલના ભાવ વધે કે સપ્લાય ખોરવાય તો પણ સેનાની કામગીરી અવિરત ચાલુ રહે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતની મજબૂત પકડ
એક તરફ સેના આંતરિક સ્તરે ઈંધણ બચાવી રહી છે, તો બીજી તરફ સમુદ્રી માર્ગો પર પણ ભારતની નજર છે. તાજેતરમાં જ એક ભારતીય તેલ ટેન્કર વિશ્વના સૌથી સંવેદનશીલ ગણાતા 'Strait of Hormuz' માંથી સુરક્ષિત રીતે પસાર થયું છે. આ માર્ગેથી જ વિશ્વનો મોટો તેલ પુરવઠો પસાર થાય છે. અગાઉ અહીં જહાજો પર થયેલા હુમલાઓને જોતા ભારતની આ સફળતા વ્યૂહાત્મક રીતે ખૂબ મોટી માનવામાં આવે છે.





