GT vs MI : IPL 2026 ની 30 મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે જબરદસ્ત કમબેક કર્યું છે. સતત ચાર હારના આઘાત બાદ મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને તેમના જ ઘર આંગણે 99 રને હરાવી દીધું. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત જેટલી ચર્ચામાં રહી, તેટલી જ ચર્ચા કેપ્ટન હાર્દિક પંડ્યા અને યુવા બેટ્સમેન તિલક વર્મા વચ્ચેના મેદાન પરના દ્રશ્યોની થઈ રહી છે. મેચ દરમિયાન હાર્દિક પંડ્યા તિલક વર્મા પર બૂમો પાડતો દેખાયો હતો, જેનો ખુલાસો હવે પોતે કેપ્ટન હાર્દિક પંડ્યાએ જ કર્યો છે.
મુશ્કેલ સમયમાં તિલક વર્માની ધીમી શરૂઆત
મુંબઈ ઈન્ડિયન્સની ઇનિંગ્સની શરૂઆત સારી રહી નહોતી. મુંબઈની ટીમે માત્ર 48 રનમાં પોતાની 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે તિલક વર્મા મેદાનમાં હતો, પરંતુ તે શરૂઆતમાં ઘણો ધીમો રમી રહ્યો હતો. એક તબક્કે તિલક 22 બોલમાં માત્ર 19 રન બનાવીને રમી રહ્યો હતો. તેનો સ્ટ્રાઇક રેટ 100 થી નીચે હતો, જેના કારણે ટીમ પર પ્રેશર વધી રહ્યું હતું. આ જોઈને કેપ્ટન હાર્દિક પંડ્યા અકળાયો હતો.
14 મી ઓવર અને હાર્દિક પંડ્યાનો એ ગુસ્સો
મેચમાં જ્યારે બીજી ટાઇમ-આઉટ લેવામાં આવ્યો, ત્યારે હાર્દિક પંડ્યા ખૂબ જ આક્રમક અંદાજમાં તિલક વર્મા પાસે પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, હાર્દિક પંડ્યા જોરજોરથી તિલક વર્માને કંઈક સમજાવી રહ્યો હતો અને તેના પર બૂમો પાડી રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ મેચ બાદ જણાવ્યું કે, "હું તેને બૂમ પાડીને કહી રહ્યો હતો કે, બોલ જોઈને ફટકારી દે! મારો મેસેજ સ્પષ્ટ હતો કે તારામાં પ્રતિભા છે, ડર્યા વગર રમ."
તિલક વર્માનું મેદાનમાં તાંડવ
હાર્દિક પંડ્યાના આ 'ડોઝ' પછી તિલક વર્માનો અંદાજ સાવ બદલાઈ ગયો. તેને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો. તિલક વર્માએ માત્ર 45 બોલમાં પોતાની સેન્ચુરી પૂરી કરી અને 101 રન બનાવી નોટઆઉટ રહ્યો. તેની આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. હાર્દિક પંડ્યા હસતા હસતા કહ્યું કે, "હું એટલી જોરથી બૂમો પાડી રહ્યો હતો કે, મને ચક્કર આવવા લાગ્યા હતા, પણ ટીમ માટે એ જરૂરી હતું."
આ પણ ખાસ વાંચો : 4 હાર બાદ મુંબઈનું ધમાકેદાર કમબેક : તિલક વર્માની સદીએ ગુજરાતને અમદાવાદમાં હરાવ્યું
જસપ્રીત બુમરાહને પહેલી ઓવર આપવાનું કારણ
સામાન્ય રીતે જસપ્રીત બુમરાહ પહેલી ઓવર નાખતો નથી, પણ આ મેચમાં તે બોલિંગની શરૂઆત કરતો દેખાયો. આ અંગે હાર્દિક પંડ્યાએ કહ્યું કે, લોકો કહે છે કે 'જસ્સી' પહેલી ઓવર કેમ નથી નાખતો, પણ તેની કારકિર્દીમાં તેને બહુ ઓછી વાર આવું કર્યું છે. આજે અમને લાગ્યું કે, નવા બોલથી વિરોધી ટીમ પર અટૈક કરવો જરૂરી છે અને જસપ્રીત બુમરાહથી શ્રેષ્ઠ કોઈ ઓપ્શન નહોતો. જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સના બોલરોએ ગુજરાતને માત્ર 100 રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું.
અમદાવાદમાં ઐતિહાસિક જીત
મુંબઈ ઇન્ડિયન્સ માટે આ જીત મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ મોટી છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે, અમદાવાદમાં મુંબઈ માટે રમવું હંમેશા પડકારજનક રહ્યું છે, પરંતુ આ વખતે અમે મજબૂત ક્રિકેટ રમ્યા. આ જીતથી ટીમમાં ફરીથી આત્મવિશ્વાસ પાછો આવ્યો છે અને આગામી મેચોમાં પણ મુંબઈ આ જ લય જાળવી રાખવા માંગશે.





