MI vs CSK : IPL 2026 માં આજે ક્રિકેટ પ્રેમીઓ માટે સૌથી મોટો દિવસ છે. ટૂર્નામેન્ટની બે સૌથી સફળ અને લોકપ્રિય ટીમો, મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK), આજે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે. આ મેચને ક્રિકેટનો 'El Clásico' માનવામાં આવે છે કારણ કે, જ્યારે પણ આ બે ટીમો ટકરાય છે ત્યારે રોમાંચ તેની ચરમસીમાએ હોય છે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ પ્રક્રિયા સાંજે 7:00 વાગ્યે હાથ ધરવામાં આવશે.
દિગ્ગજોનું મેદાનમાં કમબેક
આજની મેચને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ છે, કારણ કે લાંબા સમય બાદ બે દિગ્ગજ ખેલાડીઓ મેદાનમાં કમબેક કરી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોની, જે આ સિઝનની શરૂઆતની 6 મેચોમાં ફિટનેસના કારણે રમી શક્યા નહોતા, તે આજે પ્લેઈંગ-11 માં જોવા મળી શકે છે. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ઓપનર અને પૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ ઈજામાંથી સાજો થઈને પરત ફરવા તૈયાર છે. રોહિત શર્માએ છેલ્લી બે મેચો ગુમાવી હતી, પરંતુ તેની કમબેક મુંબઈના બેટિંગ લાઇનઅપને વધુ મજબૂત બનાવશે.
સિઝનનું અત્યાર સુધીનું પરફોર્મન્સ
ચાલુ IPL સિઝનમાં બંને ટીમોનું પરફોર્મન્સ ઘણું ઉતાર-ચઢાવવાળું રહ્યું છે. મુંબઈ અને ચેન્નઈ બંનેએ અત્યાર સુધી 6-6 મેચ રમી છે, જેમાંથી બંને ટીમો માત્ર 2-2 મેચ જીતી શકી છે અને 4-4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, મુંબઈ ઈન્ડિયન્સ સારા નેટ રન રેટને કારણે સાતમા સ્થાને છે, જ્યારે ચેન્નઈ આઠમા નંબરે ધકેલાયું છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે બંને ટીમો માટે આજની જીત ખૂબ જ અનિવાર્ય બની ગઈ છે.
હેડ-ટુ-હેડ આંકડા અને ઇતિહાસ
IPL ના ઇતિહાસમાં આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 41 મુકાબલા થયા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો જોવા મળ્યો છે. મુંબઈએ 22 મેચ જીતી છે, જ્યારે ચેન્નઈએ 19 મેચમાં જીત મેળવી છે. વાનખેડે સ્ટેડિયમની વાત કરીએ તો અહીં 13 મેચમાંથી મુંબઈએ 8 અને ચેન્નઈએ 5 મેચ જીતી છે. જોકે, 2023 પછીના આંકડા જોઈએ તો 5 મેચોમાંથી મુંબઈ માત્ર 1 જ વાર ચેન્નઈને હરાવી શક્યું છે, જે ચેન્નઈના વધતા વર્ચસ્વનો પુરાવો છે.
ટીમ ન્યૂઝ અને મોટા આંચકા
મેચ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાંથી માઠા સમાચાર આવ્યા છે. ટીમનો ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી તેની માતા પ્રેમ દેવીને ગુમાવી ચૂક્યો છે. લાંબી બીમારી બાદ મુંબઈની ટાટા હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે. આ સિવાય યુવા ખેલાડી આયુષ મ્હાત્રે પણ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. મ્હાત્રેનું આખી સિઝન ગુમાવવું એ ટીમના પ્લાનિંગ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
મુંબઈના કી-પ્લેયર્સ
મુંબઈ માટે આ સિઝનમાં તિલક વર્મા આશાનું કિરણ સાબિત થયો છે. તિલક વર્માએ 6 મેચમાં 144 રન બનાવ્યા છે અને ગત મેચમાં જ તેને શાનદાર સેન્ચુરી ફટકારીને પોતાની ફોર્મ સાબિત કરી દીધી છે. તેનો 187.01 નો સ્ટ્રાઇક રેટ વિરોધી બોલરો માટે ચિંતાનો વિષય છે. બોલિંગ વિભાગમાં શાર્દૂલ ઠાકુર પર જવાબદારી રહેશે. ભલે તેનો ઈકોનોમી રેટ 13.57 જેવો ઊંચો રહ્યો હોય, પરંતુ તેને મહત્વની 6 વિકેટો ઝડપીને ટીમને મુશ્કેલ સમયમાં બ્રેકથ્રુ અપાવ્યા છે.
ચેન્નઈના સ્ટાર પરફોર્મર
ચેન્નઈ તરફથી સંજુ સેમસન શાનદાર લયમાં બેટિંગ કરી રહ્યો છે. તેને 6 મેચમાં 192 રન બનાવ્યા છે, જેમાં એક આક્રમક સેન્ચુરીનો પણ સમાવેશ થાય છે. સંજુ 174.54 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે. બોલિંગમાં અંશુલ કંબોજે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેને 6 મેચમાં 13 વિકેટ ઝડપીને પર્પલ કેપની રેસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેનો 9.73 નો ઈકોનોમી રેટ અને 3/22નું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ચેન્નઈ માટે પ્લસ પોઈન્ટ છે.
વાનખેડેની પિચ અને વાતાવરણ
વાનખેડેની પિચ હંમેશાથી હાઇ-સ્કોરિંગ રહી છે અને અહીં બેટર્સને ઘણો ફાયદો મળે છે. અહીં અત્યાર સુધી રમાયેલી 126 IPL મેચોમાં ચેઝ કરનારી ટીમો 68 વાર સફળ રહી છે, જે દર્શાવે છે કે, ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય ફાયદાકારક રહી શકે છે. હવામાનની વાત કરીએ તો મુંબઈમાં આજે પ્રચંડ ગરમી રહેશે. તાપમાન 39 ડિગ્રી સુધી જઈ શકે છે, જોકે વરસાદની કોઈ શક્યતા નથી, જે મેચ પૂરી થવામાં મદદરૂપ થશે.
MI vs CSK ની સંભવિત પ્લેઇંગ-12
MI : રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, ક્રિષ ભગત, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર.
CSK : સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સરફરાઝ ખાન, શિવમ દુબે, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), ડેવાલ્ડ બ્રેવિસ, જેમી ઓવરટન, મેથ્યુ શોર્ટ, અંશુલ કંબોજ, નૂર અહેમદ, મુકેશ ચૌધરી અને ગુરજપનીત સિંહ.





