Home Gujarat Mevani Raises Drugs And Liquor Issue In Gujarat Assembly Debate Gujarat Drug Mafia Question

"આપણું ગુજરાત 'ઉડતા ગુજરાત' બનશે નહીં બની ચૂક્યું છે?" : વિધાનસભામાં જીજ્ઞેશ મેવાણીના ગૃહ વિભાગ પર આકરા પ્રહાર

"આપણું ગુજરાત 'ઉડતા ગુજરાત' બનશે નહીં બની ચૂક્યું છે?"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 12:18 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે ગૃહ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ વકરતા જતા ડ્રગ્સના દૂષણને લઈને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અત્યંત ગંભીર આંકડાઓ રજૂ કરતા સવાલ કર્યો હતો કે, શું મહાત્મા ગાંધી અને સરદાર પટેલે આવા ગુજરાતની કલ્પના કરી હશે? મેવાણીએ ગૃહ રાજ્યમંત્રી પાસે પ્રજાના હિતમાં જવાબ માંગતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનું નેટવર્ક છેક શિક્ષણધામો સુધી પહોંચી ગયું છે.

છેલ્લા 5 વર્ષમાં ડ્રગ્સનો કાળો કારોબાર વધ્યો: 72,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

મેવાણીએ પૂર્વ મુખ્યમંત્રીઓના શાસનકાળની તુલના કરતા જણાવ્યું કે, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીના સમય કરતા છેલ્લા 5 વર્ષમાં ડ્રગ્સનો કારોબાર ચિંતાજનક રીતે વધ્યો છે. ગુજરાતના દરિયાકાંઠેથી અત્યાર સુધીમાં અંદાજે ₹72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, "પોલીસ જેની ધરપકડ કરે છે એ તો માત્ર 'નાની માછલીઓ' છે, પણ આ કરોડોનું ડ્રગ્સ મંગાવનારા મુખ્ય સૂત્રધાર અને માફિયાઓ કોણ છે? કેમ તેમના સુધી કાયદો પહોંચી શકતો નથી?"

મહિલાઓ અને માસૂમ બાળકો નશાની ગર્તામાં

કેન્દ્ર સરકારના 2019ના અહેવાલને ટાંકતા તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં 19 લાખથી વધુ ડ્રગ્સ યુઝર્સ છે, જેમાં 1.85 લાખથી વધુ મહિલાઓ છે. આંકડા મુજબ રાજ્યની 9.81% મહિલાઓ ડ્રગ્સનું સેવન કરે છે, જે દેશની તુલનામાં વધુ છે. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે 10 થી 15 વર્ષના બાળકો પેટ્રોલ, ડીઝલ અને ટરપેન્ટાઇન સુંઘીને નશો કરી રહ્યા છે. શાળાઓ, કોલેજો અને હોસ્ટેલના રૂમ સુધી સિન્થેટિક MD ડ્રગ્સ પહોંચી ગયું છે.

ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરતા 700 વર્ષ લાગશે?

રાજ્યની હાલત 'ઉડતા પંજાબ' જેવી થઈ રહી હોવાનો આક્ષેપ કરતા મેવાણીએ કહ્યું કે, રિપોર્ટ મુજબ, રાજ્યના 1.30 લાખ લોકોને તાત્કાલિક નશામુક્તિની જરૂર છે. તેની સામે સરકારની કામગીરી અત્યંત ધીમી છે. સરકાર દર વર્ષે માત્ર 2,800 થી 3,000 લોકોને જ વ્યસનમુક્ત કરી શકે છે. જો આ જ ગતિ રહી તો ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરતા 500 થી 700 વર્ષ વીતી જશે.

ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને બુટલેગરો પર સરકારની રહેમનજર?

તેમણે ગંભીર આક્ષેપ કર્યો કે રાજ્યમાં જે ડ્રગ્સ પકડાય છે તેનું ઉત્પાદન ઘણીવાર સ્થાનિક ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં થાય છે. શું સરકારે ક્યારેય આવી કંપનીઓ પર કડક તવાઈ બોલાવી છે? બીજી તરફ દારૂબંધીના નામે બુટલેગરો બેફામ બન્યા છે. રાજ્યમાં 28 જેટલા કિસ્સાઓમાં બુટલેગરોએ પોલીસ પર હુમલા કર્યા છે, જે દર્શાવે છે કે ગુનેગારોમાં હવે કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

દીકરીઓની સુરક્ષા પર મોટો સવાલ

મહિલા સુરક્ષાના મુદ્દે મેવાણીએ એક અખબારી અહેવાલને ટાંકતા જણાવ્યું કે, રાજ્યમાં 240 જેટલી દીકરીઓ એવી છે જેમની પર એકવાર બળાત્કાર થયા બાદ ફરી બીજી વાર બળાત્કારની ઘટના બની છે. આ સ્થિતિ ગુજરાત માટે કલંક સમાન છે. તેમણે માંગ કરી હતી કે ગૃહ વિભાગ આ તમામ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરે અને માત્ર વાતો કરવાને બદલે નક્કર કાર્યવાહી કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now