Home Gujarat Meteorological Department And Ambalal Patels Forecast Rain Forecast

ગુજરાતમાં કેવું રહેશે હવામાન? : હવામાન વિભાગે 5 દિવસ ધમધોકાર વરસાદની કરી આગાહી, તો અંબાલાલ પટેલે પણ આપી ચેતવણી

ગુજરાતમાં કેવું રહેશે હવામાન?
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 11:02 AM IST

ગુજરાતમાં ચોમાસાનું માહોલ બરાબરનું જામ્યો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી લઇ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ મુજબ અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક દરમિયાન હળવાં ઝાપટાં પડી શકે છે અને પવનની ઝડપ 30થી 40 કિ.મી પ્રતિ કલાક સુધી રહી શકે છે. દરિયાકાંઠા વિસ્તારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે અને સાથે સાથે આગામી પાંચ દિવસ દરિયામાં કરંટ રહેવાની આગાહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના આપવામાં આવી છે. હાલ રાજ્યમાં 3 મોસમી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ચોમાસું ફરીથી સજાગ બન્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતા 112% વધુ વરસાદ નોંધાયો છે
અંબાલાલ પટેલે શું કહ્યું?
અંબાલાલ પટેલે જણાવ્યું કે, ''10 જુલાઈએ અપર એર સર્ક્યુલેશન સર્જાતાં નવી સિસ્ટમ સક્રિય થશે. આ સિસ્ટમના કારણે 12 જુલાઈથી રાજ્યમાં વધુ વરસાદ પડવાની શકયતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં હળવાંથી મધ્યમ ઝાપટાં પડશે'' અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા પવનો સાથે વરસાદી ઝાપટાની શક્યતા છે. 9 જુલાઈથી 12 જુલાઈ દરમિયાન નવી સિસ્ટમ સક્રિય થશે અને તેમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ ભારે વરસાદ પડી શકે તેવી પણ આગાહી કરી છે, 18 જુલાઈ પછી વરસાદનું જોર ઘટી શકે છે તેમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now