Rajkot News: સોનાના વેપાર માટે દેશભરમાં જાણીતા રાજકોટના સોની બજારમાં આઘાતની લહેર પ્રસરી ગઈ છે. રાજકોટની એક પ્રતિષ્ઠિત પેઢીના કર્મચારીઓ જ્યારે બિહારમાં સોનાની ડિલિવરી આપવા ગયા હતા, ત્યારે તેમની સાથે ₹25 કરોડની લૂંટની ઘટના બની છે. લૂંટારુઓએ અત્યંત ચાલાકીપૂર્વક 'કસ્ટમ અધિકારી'નો સ્વાંગ રચીને આ ગુનાને અંજામ આપ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
રાજકોટની જાણીતી પેઢી કે.વી. એન્ડ સન્સના બે વિશ્વાસુ કર્મચારીઓ, મહેશ મામતોરા અને પ્રિન્સ રાણપારીયા, સોનાના દાગીનાનો મોટો જથ્થો લઈને બિહાર પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, તેઓ જે સ્થળે સોનું પહોંચાડવાનું હતું ત્યાં જવા માટે રેલવે સ્ટેશન પર ઉતર્યા કે તરત જ લૂંટારુઓ સક્રિય થઈ ગયા હતા.
આ પણ વાંચો: Gujarat Weather Update : ગુજરાતમાં માવઠાની આફત! આગામી 48 કલાક આ જિલ્લાઓમાં પવન સાથે વરસાદની આગાહી
તપાસના બહાને અપહરણ અને લૂંટ
સ્ટેશનની બહાર નીકળતા જ બાઈક અને કારમાં સવાર થઈને આવેલા અંદાજે 8 જેટલા શખ્સોએ કર્મચારીઓને આંતર્યા હતા. આ લૂંટારુઓએ પોતાની ઓળખ કસ્ટમ વિભાગના અધિકારી તરીકે આપી હતી. તેમણે કર્મચારીઓને એવું કહીને ડરાવ્યા હતા કે તેમની પાસે રહેલું સોનું શંકાસ્પદ છે અને તેની તપાસ કરવી પડશે.
તપાસના બહાને બંને કર્મચારીઓને જબરદસ્તીથી કારમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ લૂંટારુઓ તેમને કોઈ અવાવરું અને નિર્જન સ્થળે લઈ ગયા હતા, જ્યાં ડરાવી-ધમકાવીને ₹25 કરોડની કિંમતનું સોનું આંચકી લીધું હતું અને કર્મચારીઓને રસ્તામાં ઉતારી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસ એક્શન મોડમાં
આ ઘટનાની જાણ થતાં જ બિહાર પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. કર્મચારીઓએ આપેલી વિગતોના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે તપાસ દરમિયાન લૂંટમાં વપરાયેલી કારને શોધી કાઢી છે અને તેને કબ્જે કરી છે. લૂંટારુઓની ઓળખ કરવા માટે રેલવે સ્ટેશન અને આસપાસના રૂટના CCTV ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે. ઘટનાની ગંભીરતા જોતા રાજકોટથી પણ પોલીસની એક ટીમ બિહાર રવાના થવાની શક્યતા છે, જેથી પેઢીના માલિક અને કર્મચારીઓની વધુ પૂછપરછ કરી શકાય.
વેપારી આલમમાં ફફડાટ
રાજકોટ સોની બજારના વેપારીઓમાં આ ઘટનાને પગલે ભારે ચિંતા જોવા મળી રહી છે. આટલી મોટી રકમનું સોનું લૂંટાયું હોવાથી વેપારી સુરક્ષાના પ્રશ્નો ફરી એકવાર સપાટી પર આવ્યા છે. હાલમાં બિહાર પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદથી 8 લૂંટારુઓની ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે.





