Mehsana Viral Video: મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાનું પાંછા ગામ અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. સામાન્ય રીતે ગામડાઓમાં દારૂબંધીના કડક અમલ માટે અવનવા પ્રયોગો થતા હોય છે, પરંતુ આ ગામમાં ગામમાં જ્યારે દારૂનું વ્યસન વધવા લાગ્યું, ત્યારે ગ્રામજનોએ કાયદો હાથમાં લીધા વગર એક એવો રસ્તો અપનાવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. ગામમાં દારૂડિયાઓને પાંસરા કરવા માટે હવે ખાસ 'પાંજરું' તૈયાર કરવામાં આવ્યું છે. જો કે, દારૂડિયાઓ પર લગામ કસવા માટે બનાવવામાં આવેલું લોખંડનું પાંજરું એક રમુજી ઘટનાને કારણે હેડલાઇન્સમાં આવ્યું છે. આ પાંજરામાં કોઈ દારૂડિયો પૂરાય તે પહેલાં જ મજાક-મજાકમાં એક નિર્દોષ મહેમાન કાકા કેદી બની ગયા હતા. 'જોઈએ તો ખરા અંદર કેવું લાગે છે' તેવી કુતૂહલવશ વૃદ્ધ પાંજરામાં ગયા અને ગ્રામજનોએ બહારથી દરવાજો વાસી દેતા રમુજી દ્રશ્યો સર્જાયા હતા.
ગામનો અનોખો પ્રયોગ: દારૂડિયાઓ માટે સ્પેશિયલ પાંજરું
ખેરાલુના પાન્છા ગામના લોકોએ ગામમાં દારૂ પીને છાકટા બનતા અને અશાંતિ ફેલાવતા તત્વોને પાઠ ભણાવવા માટે એક લોખંડનું મજબૂત પાંજરું તૈયાર કરાવ્યું છે. આ પાંજરાનો ઉદ્દેશ્ય એવો છે કે જો કોઈ દારૂ પીધેલી હાલતમાં પકડાય અથવા ગામમાં હંગામો કરે, તો તેને થોડો સમય આ પાંજરામાં પૂરીને શાન ઠેકાણે લાવવી. ગામના આ અનોખા 'દેશી જેલ'ના પ્રયોગની આસપાસના પંથકમાં પણ ખૂબ ચર્ચા હતી.
કુતૂહલવશ કાકા ગયા અંદર અને પડી ગઈ 'ભારે'
આ ઘટના ત્યારે બની જ્યારે બાજુના ગામથી એક કાકા પાન્છા ગામે મહેમાન તરીકે આવ્યા હતા. ગામની વચ્ચે પડેલું નવું નક્કોર લોખંડનું પાંજરું જોઈને કાકાને તેને અંદરથી જોવાની ઈચ્છા થઈ. રમુજી અને મોજીલા સ્વભાવના કાકાએ મજાકમાં કહ્યું, "જોઈએ તો ખરા કે અંદર કેવું લાગે છે!" આટલું કહીને કાકા જેવા પાંજરામાં પ્રવેશ્યા કે તરત જ ત્યાં હાજર રહેલા અન્ય લોકોએ પણ મજાક કરવાની તક ઝડપી લીધી.
મસ્તીમાં સર્જાયા મુંઝવણના દ્રશ્યો
કાકા અંદર ગયા કે તરત જ કોઈકે બહારથી પાંજરાનો દરવાજો બંધ કરી દીધો. થોડી સેકન્ડો પહેલા જે કાકા મસ્તીમાં હતા, તેઓ અચાનક પાંજરામાં પૂરાઈ જતા મુંઝવણમાં મુકાઈ ગયા હતા. આસપાસ ઉભેલા લોકો કાકાની આ હાલત જોઈને હસી પડ્યા હતા. જોકે, થોડીવાર બાદ તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો આ 'કેદી કાકા'ના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ચૂક્યા હતા.
સોશિયલ મીડિયા પર વીડિયો ધૂમ મચાવી રહ્યો છે
ગામમાં બનેલી આ આખી ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં શૂટ કરી લીધો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો અપલોડ થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. લોકો આ વીડિયો પર રમુજી કોમેન્ટ્સ કરી રહ્યા છે કે, "પાંજરાની બોહણી તો જોરદાર થઈ!" આ વીડિયોએ ખેરાલુના પાન્છા ગામને આખા ગુજરાતમાં રાતોરાત ફેમસ કરી દીધું છે.





