Home Gujarat Mehsana Election Murder Case 6 Accused Arrested

મહેસાણા નપાની ચૂંટણીમાં જીત માટે થઈ હત્યા : ચૂંટણીમાં મળી હાર, 6 આરોપીઓ પકડાયા

આરોપીની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 29, 2026, 02:35 PM IST

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં રાજકીય તણાવ અને કાયદો-સુવ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. વોર્ડ નંબર 4 માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી હરીફાઈ લોહીયાળ અથડામણમાં ફેરવાઈ હતી, જેમાં 22 વર્ષીય યુવક મિતેન ચૌધરીનું મોત થયું હતું. હવે આ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં કુલ 6 આરોપીઓને અલગ-અલગ રાજ્યોમાંથી પકડી પાડ્યા છે..

ઘટના 25 એપ્રિલની છે. મધરાતે મહેસાણાના તાવડીયા ચોકડી નજીક બની હતી. ફરિયાદી ધિમંત ચૌધરી, તેનો ભાઈ હર્ષ ચૌધરી અને મિતેન ચૌધરી રસ્તા પર ઉભા હતા ત્યારે બે કારોમાં આવી પહોંચેલા આરોપીઓએ પહેલાં અપશબ્દો કહ્યાં અને બાદમાં હુમલો કર્યો. ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે મિતેનને લાકડાના ધોકા અને છરીના ઘા મારવામાં આવ્યા. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.

આ પણ વાંચો: વલસાડમાં બપોરે ઘરઘાટીની લૂંટથી હાહાકાર : વૃદ્ધા અને કામવાળી બંધક બનાવી લાખોની ચોરી

રાજકીય અદાવતમાંથી જન્મેલો ખૂની ખેલ

આ બનાવ પાછળ માત્ર વ્યક્તિગત ઝઘડો નહીં પરંતુ સ્પષ્ટ રાજકીય અદાવત હોવાની માહિતી સામે આવી છે. મૃતક મિતેન ચૌધરીના મામા મહેન્દ્ર ચૌધરી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા જ્યારે તેમના સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લીલાબેન ચૌધરી મેદાનમાં હતા.

આ કેસના મુખ્ય આરોપી ભરત ચૌધરી, લીલાબેનના પતિ હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ આ હુમલો પૂર્વનિયોજિત હતો અને રાજકીય સ્પર્ધાને કારણે અદાવત વધી હતી. જોકે ચૂંટણીના પરિણામોમાં બંને પક્ષના ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો હતો. હત્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો અને તરત જ તપાસ શરૂ કરી.

પોલીસે LCB, SOG અને પેરોલ ફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી અને ટેક્નિકલ તથા માનવીય બાતમીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી. એક ટીમ રાજસ્થાનના સાંચોર જિલ્લામાં પહોંચી, જ્યાંથી ભરત ચૌધરી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

આ પણ વાંચો: વડોદરાના અટલાદરામાં મધરાતે હાઈવોલ્ટેજ ડ્રામા : પોલીસ સામે જ યુવક ઉપરથી નીચે પડ્યો, ભાઈનું મોત થતાં બહેને લગાવ્યા ગંભીર આક્ષેપો

બીજી તરફ, બાકીના આરોપીઓ ઉત્તર પ્રદેશ તરફ ભાગ્યા હોવાની માહિતી મળતા પોલીસે ત્યાં પણ નાકાબંધી કરી. પ્રતાપગઢ નજીકથી ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ ચૌધરીને એક કાર સાથે ઝડપી લેવાયા. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન અને વાહન જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મહેસાણા લાવી કોર્ટમાં રજૂ કર્યા છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેસમાં વધુ લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ ચાલુ છે.

હવે આ કેસમાં કોર્ટની કાર્યવાહી અને પુરાવાના આધારે આગળ શું થાય છે તે મહત્વપૂર્ણ રહેશે. જો આરોપીઓને કડક સજા મળે તો તે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ઉદાહરણરૂપ બની શકે છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે રાજકીય સ્પર્ધા જો નિયંત્રણ બહાર જાય તો તે સમાજ માટે કેટલું જોખમી બની શકે છે. રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વધુ કડક સુરક્ષા અને દેખરેખની જરૂરિયાત સ્પષ્ટ બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now