Home Gujarat Vadodara Vadodara Atladara Suspicious Death Investigation

વડોદરાના અટલાદરામાં મધરાતે હાઈવોલ્ટેજ ડ્રામા : પોલીસ સામે જ યુવક ઉપરથી નીચે પડ્યો, ભાઈનું મોત થતાં બહેને લગાવ્યા ગંભીર આક્ષેપો

વડોદરામાં અકસ્માતની બિલ્ડિંગ અને યુવક
Published by: Chintan Chavda
Last Updated: Apr 29, 2026, 01:00 PM IST

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા માધવનગર વુડાના આવાસોમાં ગત મધરાતે એક યુવકનું બિલ્ડિંગ પરથી નીચે પડતા શંકાસ્પદ મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પરિવારે ગંભીર આક્ષેપો કરતા મામલો ગરમાયો છે, જેના પગલે અટલાદરા પોલીસે ગુનો નોંધી ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

મધરાતે સર્જાયો હોબાળો

મળતી માહિતી મુજબ, ગત મધરાતે માધવનગર વુડાના આવાસોમાં કોઈ બાબતે મોટો ઝઘડો ચાલી રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. અટલાદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને ભીડને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

પોલીસની હાજરીમાં જ યુવક નીચે પડ્યો

પોલીસ જ્યારે નીચે ટોળાને વિખેરી રહી હતી, તે દરમિયાન અચાનક બિલ્ડિંગ પરથી કંઈક નીચે પડવાનો જોરદાર અવાજ સંભળાયો હતો. પોલીસ અને સ્થાનિક લોકોએ તપાસ કરતા એક યુવક લોહીલુહાણ હાલતમાં નીચે પડેલો મળી આવ્યો હતો. ઇજાગ્રસ્તની ઓળખ દિલીપ વસાવા તરીકે થઈ હતી. તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું દુઃખદ મોત નિપજ્યું હતું.

પરિવારના ગંભીર આક્ષેપો

દિલીપ વસાવાના મૃત્યુ બાદ તેના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે ભારે રોષ વ્યક્ત કર્યો છે. મૃતકની બહેન કાજલ વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેના ભાઈ સાથે મારપીટ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઘટના બની છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે આ માત્ર અકસ્માત નથી પણ હત્યા હોઈ શકે છે. આ આક્ષેપોને કારણે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: વલસાડમાં બપોરે ઘરઘાટીની લૂંટથી હાહાકાર : વૃદ્ધા અને કામવાળી બંધક બનાવી લાખોની ચોરી

ઉચ્ચ અધિકારીઓની તપાસ

ઘટનાની ગંભીરતાને જોતા એસીપી એ.વી. કાટકડે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે માધ્યમોને જણાવ્યું હતું કે, "અટલાદરા પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સાક્ષીઓના નિવેદનો બાદ જો કોઈની સંડોવણી જણાશે, તો જવાબદારો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."

હાલમાં પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની અને ઝઘડા પાછળનું મુખ્ય કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે. યુવકના મોતથી વસાવા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now