Gujarat Day: આજે 1મે, 2026ના રોજ સમગ્ર વિશ્વમાં વસતા ગુજરાતીઓ ગુજરાત રાજ્યનો ૬૬મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છે. 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવેલું ગુજરાત આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે. આ ગૌરવવંતા અવસરે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગુજરાતવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. નેતાઓએ જણાવ્યું છે કે ગુજરાત આજે માત્ર એક રાજ્ય નથી, પરંતુ ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ અને ડિજિટલ ઈનોવેશન ક્ષેત્રે સમગ્ર ભારત માટે પ્રેરણાસ્ત્રોત અને વિકાસનું રોલ મોડેલ બની ગયું છે.
ગુજરાતની ગૌરવગાથા અને નાગરિકોનો સંઘર્ષ: અમિતભાઈ શાહ
કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, “ગરવી ગુજરાત” એ માત્ર શબ્દ નથી, પરંતુ આપણા સંસ્કાર, સંકલ્પ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેમણે ગુજરાતના દરેક નાગરિકની અવિરત મહેનત અને સંકલ્પને નમન કરતા કહ્યું કે, રાજ્યની ઓળખ આજે માત્ર વેપાર પૂરતી સીમિત નથી, પરંતુ ટેકનોલોજી અને આત્મનિર્ભરતાના ક્ષેત્રે પણ ગુજરાતે વિશ્વસ્તરે નામના મેળવી છે. ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ઉદ્યોગપતિઓના સામૂહિક પ્રયાસોએ રાજ્યને વિકાસના શિખરે પહોંચાડ્યું છે.
સુશાસન અને વિકાસના 30 વર્ષોની સિદ્ધિ
શાહે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા 30 વર્ષોમાં ભાજપ સરકારના સુશાસન અને જનકલ્યાણ કેન્દ્રિત નીતિઓને કારણે રાજ્યમાં વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકાર નાગરિકોની સુખાકારી અને વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવવા પ્રતિબદ્ધ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓના વ્યાપક વિકાસથી ગુજરાત આજે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત સ્થાપના દિવસ 2026 : જાણો 1 મે 1960થી શરૂ થયેલી ગુજરાતની સફર કઈ રીતે ગ્લોબલ સ્ટેટ મોડેલ સુધી પહોંચી
ભારતની વિકાસયાત્રાનું એન્જિન છે ગુજરાત: જગદીશભાઈ વિશ્વકર્મા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સંસ્કારોના સિંચનથી ગુજરાત આજે વિશ્વફલક પર આગવું સ્થાન ધરાવે છે. ગુજરાત ભારતની વિકાસયાત્રાનું એન્જિન સાબિત થયું છે, જેનો શ્રેય દરેક કર્મઠ ગુજરાતીના ફાળે જાય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, PM મોદીએ નાખેલા વિકાસના પાયાને વર્તમાન સરકાર મક્કમતાથી આગળ ધપાવી રહી છે.
'વિકસિત ગુજરાત' થી 'વિકસિત ભારત'નો સંકલ્પ
સ્થાપના દિવસના આ પવિત્ર અવસરે નેતાઓએ આહ્વાન કર્યું હતું કે, આપણે સૌ મળીને “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ” ના મંત્ર સાથે નવા ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થઈએ. શૌર્ય, સાહસ અને સેવાના સંગમ સમાન આ ભૂમિ હંમેશા સમૃદ્ધ રહે અને આપણે સૌ 'વિકસિત ભારત'ના નિર્માણમાં યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ લઈએ તેવી અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી હતી.





