Financial crime: ઉત્તર ગુજરાતના મુખ્ય મથક એવા મહેસાણા શહેરમાંથી આર્થિક ગુનાખોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણામાં જાણીતી 'રામા મોહન આંગળિયા પેઢી' ચલાવતા બે સંચાલકો સામે રૂપિયા 1.30 કરોડની મસમોટી છેતરપિંડી અને વિશ્વાસઘાત આચર્યાની સત્તાવાર ફરિયાદ નોંધાતા વેપારી આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદના એક પ્રતિષ્ઠિત વેપારીને વિશ્વાસમાં લઈને હાથ ઉછીના લીધેલા કરોડો રૂપિયા હડપ કરી જવાના ઈરાદે આ આખી ઠગાઈને અંજામ આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આ ચકચારી મામલાની વિગત એવી છે કે, અમદાવાદના વેપારી બિમલભાઈ શાહે વર્ષ 2024માં રામા મોહન આંગળિયા પેઢીના બે સંચાલકો પ્રવીણભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલને આર્થિક જરૂરિયાત હોવાના કારણે રૂપિયા 1.50કરોડ હાથ ઉછીના આપ્યા હતા. જો કે, લાંબો સમય વીતી જવા છતાં આ સંચાલકોએ માત્ર 20 લાખ રૂપિયા જ પરત કર્યા હતા અને બાકીના 1.30 કરોડ રૂપિયા ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરવાનું શરૂ કર્યું હતું. આખરે ભોગ બનનાર વેપારીએ કાયદાનો આશરો લેતા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે બંને આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
નંદાસણમાં પ્લોટ નામે કરી આપવાનો વાયદો કરી આચરી છેતરપિંડી
મળતી માહિતી મુજબ, વેપારી બિમલભાઈ શાહે જ્યારે પોતાના બાકી નીકળતા રૂપિયા 1.30 કરોડની ઉઘરાણી કડક શબ્દોમાં કરી, ત્યારે આરોપી પ્રવીણભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ પટેલે વચગાળાનો રસ્તો કાઢવાના બહાને એક નવો પ્લાન ઘડ્યો હતો. બંને આરોપીઓએ વેપારીને વિશ્વાસમાં લેવા માટે એવો વાયદો કર્યો હતો કે તેઓ બાકી પડતી રકમના બદલામાં મહેસાણા નજીક આવેલા નંદાસણ વિસ્તારમાં એક કિંમતી પ્લોટ તેમના નામે કરી આપશે. જો કે, આ પ્લોટ આપવાનો વાયદો પણ માત્ર એક દેખાડો અને વેપારીને અંધારામાં રાખવાની ચાલ સાબિત થઈ હતી. સંચાલકોએ ન તો પ્લોટ વેપારીના નામે કર્યો કે ન તો તેમની બાકી નીકળતી કરોડોની રકમ પરત ચૂકવી, આમ વાયદાઓ કરીને વેપારી સાથે સીધો વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી.
આ પણ વાંચો: દિવસભર બેઠકો અને વિકાસ કાર્યોની સમીક્ષા : જાણો અમિત શાહના 2 દિવસીય ગુજરાત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યુલ
"જો હવે પૈસા માંગ્યા તો..." વેપારીને મળી જાનથી મારી નાખવાની ધમકી
આ મામલામાં સૌથી વધુ ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે વેપારી બિમલભાઈએ પોતાની કલિંગ કમાણીના પૈસા પરત મેળવવા માટે આંગળિયા પેઢીના સંચાલકો પર દબાણ વધાર્યું હતું. વારંવારના વાયદાઓથી કંટાળેલા વેપારી જ્યારે રૂબરૂ પૈસાની માંગણી કરવા ગયા, ત્યારે આરોપી પ્રવીણભાઈ અને મહેન્દ્રભાઈ પટેલે પોતાની અસલી ઓકાત બતાવી દીધી હતી. તેમણે વેપારીને પૈસા આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો અને એટલું જ નહીં, જો હવે પછી ક્યારેય પૈસા પાછા માંગવા ફોન કર્યો કે રૂબરૂ આવ્યા તો 'જાનથી મારી નાખવાની' ખુલ્લેઆમ ધમકી પણ આપી દીધી હતી.
મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ એક્શનમાં, તપાસનો ધમધમાટ શરૂ
આંગળિયા પેઢીના સંચાલકોના આવા ગુનાહિત અને ધમકીભર્યા વલણથી ગભરાઈ ગયેલા અમદાવાદના વેપારી બિમલભાઈ શાહે આખરે મહેસાણા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. તેમણે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે બંને આરોપીઓ વિરૂદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ લેખિતમાં નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આંગળિયા પેઢીના આર્થિક વ્યવહારોની તપાસ અને આરોપીઓની અટકાયત કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.






