માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. 26 ઓગસ્ટના ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી યાત્રા હવે 17 સપ્ટેમ્બર (બુધવાર) થી ફરી શરૂ થશે. આ અંગેની માહિતી શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે મંગળવારે જાહેર કરી હતી. બોર્ડે ભક્તોને સત્તાવાર માધ્યમો દ્વારા જ માહિતી મેળવવાની અપીલ કરી છે.
ભૂસ્ખલનનો ભોગ
26 ઓગસ્ટના રોજ થયેલા ભૂસ્ખલનમાં 34 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. યાત્રા 14 સપ્ટેમ્બરથી શરૂ કરવાની જાહેરાત થઈ હતી, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે નિર્ણય મુલતવી રાખવો પડ્યો હતો. હવે 22 દિવસ બાદ ભક્તો ફરીથી માતાના દર્શન કરી શકશે.
યાત્રાળુઓના વિરોધ બાદ નિર્ણય
14 સપ્ટેમ્બરના રોજ કટરા બેઝ કેમ્પ પર મોટી સંખ્યામાં યાત્રાળુઓએ પ્રદર્શન કર્યું હતું. કેટલાક ભક્તો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી, બાણગંગા દર્શની દ્વાર પાસે ભેગા થયા અને 'જય માતા દી' ના નારા લગાવ્યા. તેઓ ટેકરી પર સ્થિત મંદિરમાં દર્શન કરવા આગળ વધવા માગતા હતા, પરંતુ પોલીસે સુરક્ષા ઘેરો તોડવા દીધો નહોતો.
2025૫માં યાત્રાળુઓનો આંકડો
શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ અનુસાર, વર્ષ 2025માં અત્યાર સુધીમાં કુલ 52,48,862 ભક્તોએ યાત્રા કરી છે. જેમાંથી 2,34,994 યાત્રાળુઓએ હેલિકોપ્ટર દ્વારા મુસાફરી કરી હતી.
પવિત્ર ગુફામાં પ્રતિબંધિત વસ્તુઓ
મોબાઇલ ફોન અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો
પર્સ, હેન્ડબેગ
બેલ્ટ અથવા કોઈપણ ચામડાની વસ્તુ
આ તમામ વસ્તુઓને પવિત્ર ગુફામાં લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.