અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં મધરાતે લાગેલી ભીષણ આગમાં પિતા અને પુત્રીના કરુણ મોત નિપજ્યાં છે. બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક રહેણાંક મકાનમાં પરિવાર ઊંઘી રહ્યો હતો ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘરમાં તે સમયે કુલ પાંચ લોકો હાજર હતા.
આગ ઘરમાં ફેલાતા અફરાતફરી
આગ ઝડપથી ફેલાતા ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી. પત્નીએ જણાવ્યું કે, આગની જાણ થતાં તેણે પતિને ઉઠાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ઉઠી શક્યા નહોતા. ધુમાડો અને જ્વાળાઓને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. પત્નીના જણાવ્યા મુજબ, હું, મારા સાસુ અને દીકરી બાલ્કનીમાંથી નીચે ઉતર્યા હતા.
આગ લાગતા પિતા-પુત્ર ભડથું
આ રીતે ત્રણ લોકો ઘરની બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે પતિ અને 9 વર્ષીય પુત્રી ઘરમાં જ ફસાઈ ગયા હતા અને બંને ભડથું થઈ જતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પત્નીએ પતિ અને પુત્રીને બચાવવા માટે પુરતા પ્રયાસો કર્યા, પરંતુ આગ એટલી ભીષણ હતી કે તેમને બહાર કાઢી શકાયા નહોતા. ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. શોર્ટ સર્કિટની શક્યતા સામે આવી રહી છે, પરંતુ આગનું ચોક્કસ કારણ જાણવા માટે ટેક્નિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.






