Home Gujarat Mansukh Vasava Collector Charged In Case Of Alleged Vandalism At Chaitar Vasava

'...સરકાર સુધી લઈ જઈશ અને ન્યાય નહીં કરે ભાજપ છોડી દઈશ' : ચૈતર વસાવા પર તોડના આક્ષેપ બાદ હવે મનસુખ વસાવાના કલેક્ટર પર ગંભીર આરોપ

'...સરકાર સુધી લઈ જઈશ અને ન્યાય નહીં કરે ભાજપ છોડી દઈશ'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 12:00 PM IST

Mansukh Vasava : નર્મદા જિલ્લામાં 'રૂ. 75 લાખની તોડ' માગણીના મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટરને મળીને સ્પષ્ટતા માંગતા કલેક્ટરે આવી કોઈ પણ માગણી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો. કલેક્ટર દ્વારા અગાઉની વાતથી પલટો લેવા હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવા ભારે રોષે ભરાયા હતા અને તેમણે કલેક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે.

'ઈજનેર મોદીએ અમારી હાજરીમાં કબૂલ્યું હતું'

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, 'નર્મદા વિભાગના બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર મિસ્ટર મોદી પાસે ચૈતર વસાવાએ રૂ.75 લાખની માંગણી કરી હતી. તેમના જણાવ્યા મુજબ, કાર્યપાલક ઈજનેર મોદીએ આ બાબત જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીને જણાવી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આવી માંગણી કરવામાં આવી છે તેમજ તેમને ડરાવવામાં અને ધમકાવવામાં આવ્યા છે'. મનસુખ વસાવાનો દાવો છે કે, 'આ પછી કલેક્ટરે ફરી કાર્યપાલક ઈજનેર મોદીને બોલાવ્યા હતા અને તેમની હાજરીમાં તેમજ કલેક્ટરની હાજરીમાં આ બાબત કબૂલ પણ કરવામાં આવી હતી'.

'સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કલેક્ટર પાસે છે'

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે, આ સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કલેક્ટર પાસે હોવા છતાં તેઓ આ વાતને છુપાવી રહ્યા છે, જે તેમના માટે મોટો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે, “હું સાચો કે કલેક્ટર સાચા કે ચૈતર વસાવા સાચા તેનો નિર્ણય સરકાર કરશે”

'...સરકાર સુધી લઈ જઈશ અને ન્યાય નહીં કરે ભાજપ છોડી દઈશ'

તેમણે સ્પષ્ટ ચેતવણી આપી કે, આ મામલો તેઓ સરકાર સુધી લઈ જશે અને જો સરકાર તેમની સાથે ન્યાય નહીં કરે તો તેઓ ભારતીય જનતા પાર્ટી છોડી દેશે. મનસુખ વસાવાએ કલેક્ટરને ડરપોક કહીને આક્ષેપ કર્યો કે તેઓ સાચી હકીકત સામે લાવવા તૈયાર નથી.

'રાજકીય કારકિર્દી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ'

બીજી તરફ, ધારાસભ્ય ચૈતર વસાવાએ આ તમામ આક્ષેપોને નકાર્યા છે. તેમણે કહ્યું કે, 'મનસુખ વસાવાને તેમની વિનંતી છે કે વડાપ્રધાનના ડેડિયાપાડાના કાર્યક્રમ સંબંધિત મુદ્દા સુધી જ માહિતી રાખે. તેમણે પ્રશ્ન કર્યો કે, “પાયા વિહોણા આક્ષેપો કરીને એક સાંસદ તરીકે મારા પર આરોપો શા માટે મૂકે છે?” ચૈતર વસાવાએ જણાવ્યું કે, 'આવા આક્ષેપોથી તેમની રાજકીય કારકિર્દી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે વ્યાજબી નથી.

તોડ મુદ્દે રાજકીય અને વહીવટી સ્તરે ભારે ચર્ચા

હાલ નર્મદા જિલ્લાના આ તોડ મુદ્દે રાજકીય અને વહીવટી સ્તરે ભારે ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને આ મામલે સત્ય શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now