Mansukh Mandaviya Varachha Meeting: સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે તેના ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપે પોતાના ગઢ ગણાતા સુરત શહેરને સાચવી રાખવા માટે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. ખાસ કરીને પાટીદાર અને સૌરાષ્ટ્રિયન મતદારોના હૃદય સુધી પહોંચવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ અને મહત્વના ગણાતા વરાછામાં માંડવીયાએ મતદારો સાથે સીધો અને ભાવુક સંવાદ સાધીને જૂની યાદો તાજી કરાવી હતી.
સભા દરમિયાન મનસુખ માંડવીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્રના લોકો હંમેશા ભાજપના પાયામાં રહ્યા છે. આ સંબંધ માત્ર રાજકીય નથી, પરંતુ સામાજિક અને સંવેદનશીલ છે. તેમણે મતદારોને આહવાન કર્યું હતું કે સુરતની ઓળખ સમાન આ વિસ્તારમાં કમળ જ ખીલવું જોઈએ, જેથી વરાછાની ભાજપ પ્રત્યેની વફાદારી પર કોઈ આંગળી ન ચીંધી શકે. ચૂંટણી પ્રચારના આ આક્રમક તબક્કામાં માંડવીયાની આ હાકલ પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપના પક્ષમાં માહોલ બનાવવામાં મહત્વની સાબિત થઈ શકે છે.
"વરાછાને કલંક ન લાગવો જોઈએ": ભાજપ પ્રત્યેની વફાદારીનો હુંકાર
સભાને સંબોધતા માંડવીયાએ અત્યંત ધારદાર અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "આપણું વરાછા હંમેશા ભાજપની પડખે રહ્યું છે અને આ વખતે પણ એવો ઇતિહાસ રચાવા જોઈએ કે વરાછાને કોઈ કલંક ન લાગે કે આ વિસ્તાર ભાજપ સાથે નથી. પાટીદાર સમુદાય અને ભાજપ વચ્ચે 'નાડી અને નાભિ' જેવો અતૂટ સંબંધ છે." તેમણે યાદ અપાવ્યું હતું કે જ્યારે રાજ્યમાં ભાજપનું અસ્તિત્વ પાંગરતું હતું, ત્યારે કોંગ્રેસની રેલીઓ નીકળતી પણ બંધ થઈ ગઈ હતી અને ભાજપના વિજયનું બીજ આ વરાછાની ધરતી પરથી જ રોપાયું હતું.
ભૂતકાળના સંઘર્ષની યાદો: 5 લાખમાં લડાતી હતી આખી ચૂંટણી
મનસુખ માંડવીયાએ 1995ની ચૂંટણીઓના દિવસો યાદ કરતા જણાવ્યું કે, એ સમયે પક્ષ પાસે સાધનો મર્યાદિત હતા. વલજીભાઈ અને જીવરાજભાઈ જેવા અગ્રણીઓએ પોતાની પર્સનલ મૂડીમાંથી ફંડ આપીને સુરતથી ગાડીઓ દોડાવી હતી. તેમણે રસપ્રદ વાત કહી કે એ સમયે માત્ર 5 લાખ રૂપિયામાં આખી ચૂંટણી લડાઈ જતી હતી. આ સંઘર્ષના દિવસોમાં વરાછા અને સૌરાષ્ટ્રિયન લોકોનો સિંહફાળો રહ્યો છે. આ ગૌરવશાળી ઇતિહાસને જાળવી રાખવો એ પાટીદાર સમાજની નૈતિક જવાબદારી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
સુરતની ચારેય બેઠકો પર જંગી વિજયનો વિશ્વાસ
સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ભાજપ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતું નથી. મનસુખ માંડવીયાએ સુરતની ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે લોકોને વિનંતી કરી હતી. તેમણે કાર્યકરોમાં નવો જોમ પૂરતા કહ્યું કે, ભાજપ અને પાટીદારોનું જોડાણ અતૂટ છે અને કોઈ પણ વિપક્ષી તાકાત આ ગઠબંધનને તોડી શકશે નહીં. વરાછાના સૌરાષ્ટ્રિયન સમાજે હંમેશા વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને આ વખતે પણ તે જ પરિણામ જોવા મળશે.





