Home Gujarat Manavadar Usury Harassment S U I C Id E Case Junagadh

"હું દવા પીવું છું..." : જુનાગઢમાં દેવાના ચક્રવ્યૂહમાં ફસાયેલા યુવકે વીડિયો બનાવી જીવન ટૂંકાવ્યું

માણાવદર પોલીસ સ્ટેશન
Published by: Chintan Chavda
Last Updated: May 29, 2026, 01:25 PM IST

ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરી સામે કડક કાર્યવાહી અને રાજ્યવ્યાપી ઝુંબેશના દાવાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાંથી વ્યાજખોરીનું એક ચોંકાવનારું અને હૃદયદ્રાવક પ્રકરણ સામે આવ્યું છે. નાનડીયા ગામના 30 વર્ષીય ખેડૂત યુવકે કથિત વ્યાજખોરોના અસહ્ય માનસિક ત્રાસ, ધમકીઓ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે.

પ્રારંભમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જોકે આત્મહત્યા પહેલાં યુવકે બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલે નવો વળાંક આવ્યો હતો. વીડિયોના આધારે અને મૃતકના પિતાની ફરિયાદને પગલે પોલીસે ચાર શખ્સો સામે ગંભીર ગુનાઓ નોંધ્યા છે.

ખેતી માટે લીધેલા 5 લાખ રૂપિયાએ સર્જી દુર્ઘટના

મળતી માહિતી મુજબ નાનડીયા ગામના ગોરધનભાઈ આરદેશણાના પુત્ર ગુંજન ઉર્ફે મેરકાને ખેતીકામ માટે નાણાંની જરૂરિયાત ઊભી થતાં તેણે બાંટવા ગામના કરશન રબારી અને ગગાભાઈ ઉર્ફે રાજુ રબારી પાસેથી રૂ.5 લાખ વ્યાજે લીધા હતા.

પરિવારના આક્ષેપ મુજબ ગુંજને વ્યાજની રકમ નિયમિત ચૂકવી હોવા છતાં વ્યાજખોરોએ વધુ નાણાંની માંગ શરૂ કરી હતી. વ્યાજ પર વ્યાજ ચઢાવી પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લાખો રૂપિયાની કિંમત ધરાવતી ખેતીની જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હોવાનો પણ આરોપ છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં FABEXA-11 એક્ઝિબિશનનો પ્રારંભ : જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી

ચેક રિટર્ન કેસ અને સતત દબાણ

ફરિયાદ મુજબ નાનડીયા ગામના જ અન્ય એક વ્યક્તિ વિરેન્દ્ર જમનાદાસ વિરોજા પાસેથી લીધેલા નાણાંનું વ્યાજ ચૂકવ્યા બાદ પણ મૃતક સામે ચેક રિટર્નનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

પરિવારનો આરોપ છે કે આ કાર્યવાહીનો હેતુ મૃતક પર વધુ દબાણ ઊભું કરવાનો હતો. સતત આર્થિક અને કાનૂની દબાણ વચ્ચે ગુંજન ગંભીર માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યો હતો.

મોબાઇલ પર ગાળો અને ધમકીઓ

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રવીણ નામના અન્ય એક શખ્સે રૂ.6 લાખના વ્યવહારમાં વ્યાજ મેળવ્યા પછી પણ વધુ નાણાંની માંગણી ચાલુ રાખી હતી. મૃતકને વોટ્સએપ પર અપશબ્દો ભરેલા સંદેશા મોકલી સતત હેરાન કરવામાં આવતો હતો.

પરિવારના જણાવ્યા મુજબ આ સતત દબાણ, ધમકીઓ અને સામાજિક આબરૂ ગુમાવવાના ભયને કારણે ગુંજન માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. અંતે તેણે પોતાની વાડીએ જઈ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.

આત્મહત્યા પહેલાં બનાવેલો વીડિયો બન્યો મહત્વનો પુરાવો

મૃતક ગુંજને આપઘાત પહેલાં પોતાના મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે પોતાની સ્થિતિ અને વ્યાજખોરો દ્વારા કરવામાં આવી રહેલા કથિત ત્રાસ અંગે વાત કરી હતી.

વીડિયોમાં યુવકે એવો આક્ષેપ કર્યો હતો કે રૂ.5 લાખના દેવાના બદલામાં તેની જમીનનો દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યો હતો અને તે જમીન વેચવાનો કોઈ ઇરાદો ન હોવા છતાં તેના પર દબાણ કરવામાં આવ્યું હતું. હાલ પોલીસ આ વીડિયોની ટેકનિકલ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ : 30 મે થી 4 જૂન સુધી આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ચાર આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો

મૃતકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે માણાવદર પોલીસે ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 (આત્મહત્યા માટે દુષ્પ્રેરણા), 308(4) (ખંડણી), 296(બી), 351(3), 54 તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

SP એ શું કહ્યું?

B. C. Thakkar એ જણાવ્યું હતું કે 25 મેના રોજ બનેલી આ ઘટનામાં પ્રાથમિક તપાસ દરમિયાન વ્યાજખોરી અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તેમણે જણાવ્યું કે મુખ્ય આરોપીઓ તરીકે કરશન રબારી અને ગગાભાઈ ઉર્ફે રાજુ રબારીના નામ સામે આવ્યા છે.

SP એ વધુમાં જણાવ્યું હતું કે મૃતકનો વીડિયો મળ્યો છે અને તેની ટેકનિકલ તપાસ ચાલી રહી છે. તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: 'સ્વેચ્છાએ જશો તો બચી જશો, બાકી કાર્યવાહી નક્કી!' : ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયનું 'અલ્ટીમેટમ'

વ્યાજખોરી સામે ફરી ઉઠ્યા સવાલ

આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં વ્યાજખોરીના દૂષણ સામે પ્રશ્નો ઊભા કર્યા છે. સરકાર અને પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના દાવાઓ વચ્ચે એક યુવાને જીવન ટૂંકાવવું પડ્યું હોવાની ઘટનાએ ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી ગેરકાયદેસર ધીરધારની સમસ્યાને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી છે.

હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી આગળ વધી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now