Home International Major Plane Crash Averted In Nepal Turkish Airlines Plane Catches Fire In Tires During Landing

લેન્ડિંગ સમયે રનવે પર પ્લેનના ટાયર સળગ્યા : 289 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ફાયર ફાઈટર્સે બચાવ્યા સેંકડો મુસાફરોના જીવ

Nepal plane fire
Published by: Nirali Gohil
Last Updated: May 11, 2026, 03:53 AM IST

નેપાળની રાજધાની કાઠમંડુના આકાશમાં આજે સવારે સેંકડો મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. ઈસ્તાંબુલથી કાઠમંડુ આવી રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ જ્યારે ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરી રહી હતી, ત્યારે અચાનક તેના ટાયરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. રનવે પર વિમાન ઉતરતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા જોવા મળતા એરપોર્ટ પર દોડધામ મચી ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે આગ પર તુરંત કાબૂ મેળવી લેવાયો હતો અને પ્લેનમાં સવાર તમામ 289 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.

લેન્ડિંગ ગિયરમાં આગ અને અફરાતફરીનો માહોલ

મળતી માહિતી મુજબ, ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ TK 726 ઈસ્તાંબુલથી ઉડાન ભરીને કાઠમંડુ પહોંચી હતી. વિમાન જ્યારે રનવે પર ટચ-ડાઉન કરી રહ્યું હતું, ત્યારે જમણી બાજુના લેન્ડિંગ ગિયરમાંથી અચાનક તણખા ઝર્યા હતા અને જોતજોતામાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. પ્લેન સ્થિર થાય તે પહેલા જ ધુમાડો કેબિન સુધી પહોંચતા મુસાફરોમાં ચીસાચીસ અને ગભરાટ ફેલાઈ ગયો હતો. એરપોર્ટ સુરક્ષાના એસપી રાજકુમાર સિલાવલે જણાવ્યું હતું કે, સ્થિતિની ગંભીરતા જોઈને તુરંત જ ફાયર એન્જિનો ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ટ્રમ્પની પ્રેસ સેક્રેટરીએ પોતાની પુત્રી સાથેનો ફોટો કર્યો પોસ્ટ : ઈરાને કર્યો કટાક્ષ કહ્યું, એ 168 સ્કૂલનાં બાળકો માટે પણ વિચારજો

UN ના ઉચ્ચ અધિકારીઓ સહિત 289 પ્રવાસીઓ સુરક્ષિત

આ વિમાનમાં કુલ 278 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. સૌથી મહત્વની વાત એ છે કે આ ફ્લાઈટમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) ના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ પ્રવાસ કરી રહ્યા હતા. આગની જાણ થતાં જ પ્લેનના ઈમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા અને તમામ મુસાફરોને અત્યંત ઝડપથી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હાલ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું એરપોર્ટ સત્તાધીશોએ પુષ્ટિ કરી છે.

સોશિયલ મીડિયા પર હચમચાવી દેતા વીડિયો વાઇરલ

આ ભયાનક ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લેન્ડિંગ ગિયરમાંથી કઈ રીતે આગની જ્વાળાઓ નીકળી રહી છે. મુસાફરો ગભરાટમાં રનવે પર દોડતા પણ નજરે પડે છે. આ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની કામગીરીના વખાણ કરી રહ્યા છે, જેમણે સમયસર આગ બુઝાવી દીધી હતી.

આ પણ વાંચો: બિહારમાં ચીની નાગરિકની ધરપકડ બાદ ચાઈનાની નવી એડવાઈઝરી : જાણો તેનાથી ભારત-નેપાળ બોર્ડર પર શું મોટા ફેરફાર થશે

તપાસના આદેશ: શું ટેકનિકલ ખામી જવાબદાર?

હાલમાં એરલાઈન્સ કે એરપોર્ટ ઓથોરિટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ ટેકનિકલ ખામી અથવા બ્રેક બાઈન્ડિંગ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. નેપાળ નાગરિક ઉડ્ડયન સત્તામંડળ દ્વારા આ ગંભીર ઘટનાની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે, જે આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now