સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે લાખોના ખર્ચે બનેલી નવી નક્કોર પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થવાની ગંભીર ઘટના બાદ તંત્ર અને પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટાંકીમાં અંદાજે 9 લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું અને ઘટના દરમિયાન ત્રણ જેટલા મજૂરોને ઇજાઓ પણ પહોંચી હતી.
'કડક પગલાં લેવામાં આવ્યા'
આ ઘટનાને લઈને જવાબદારો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે તેમજ વહીવટી સ્તરે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં નાયબ કાર્યપાલક ઈજનેર જય એસ. ચૌધરી અને તત્કાલીન કાર્યપાલક ઈજનેર રજનીકાંત ચૌધરી તેમજ અન્ય એક અધિકારીનો સમાવેશ થાય છે.
કોન્ટ્રાક્ટર જ્યંતી પટેલ, અંબાલાલની ધરપકડ
પોલીસ તપાસ અંતર્ગત કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન કરનાર કંપની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટર જ્યંતી પટેલ, અંબાલાલની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે કોન્ટ્રાક્ટરની કંપનીના ત્રણ વ્યક્તિઓ તથા સુપરવિઝન કરનાર કંપનીના બે લોકો મળી કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા તમામ આરોપીઓ એકબીજાના સગા સંબંધીઓ છે, જેના કારણે કામમાં ગોઠવણ અને ગંભીર ગેરરીતિ થઈ હોવાની શંકા વધુ મજબૂત બની છે.
જવાબદારો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે
(1) મેઝ. જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રા. લિ., મહેસાણા તથા તેમના જવાબદાર માણસો
(2) બાબુભાઈ અંબાલાલ પટેલ, મહેસાણા તથા તેમના જવાબદાર માણસો
(3) પી.એમ.સી. એજન્સી માર્સ એન્ડ પ્લાનિંગ પ્રો. પ્રા. લિ., અમદાવાદ – તેના ટીમ લીડર અને પ્રોજેક્ટના સાઈટ એન્જિનિયર
(4) જય એસ. ચૌધરી, નાયબ કાર્યપાલક ઈજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
(5) અંકિત પી. ગરાસિયા, કાર્યપાલક ઈજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ
તમામ પાસાઓથી ઊંડાણપૂર્વક તપાસ
આ સમગ્ર કેસની તપાસ સુરત ગ્રામ્યના DySP બી.કે. વનારને સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા બાંધકામની ગુણવત્તા, દેખરેખમાં બેદરકારી અને સરકારી નાણાંની ગેરવહીવટ સહિત તમામ પાસાઓથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર અને વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર હિતના વિકાસકાર્યોમાં બેદરકારી કે ગેરરીતિ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને દોષિતો સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે.




















