Home Gujarat Mahisagar Nal Se Jal Scam Congress Linked Contractor Arrest

123 કરોડના 'નળ સે જળ કૌભાંડ'માં કોંગ્રેસ નેતાની ધરપકડ! : CIDની કાર્યવાહીથી ધરપકડનો આંક 41 પર પહોંચ્યો

કૌશિક જોષી અને કોંગ્રેસ નેતાઓની ધરપકડ
Published by: Chintan Chavda
Last Updated: Jun 20, 2026, 10:46 AM IST

મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના નળ સે જળ કૌભાંડમાં CID ક્રાઇમે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરતાં કોન્ટ્રાક્ટર કૌશિક શંકરલાલ જોષીની ધરપકડ કરી છે. આ ધરપકડ સાથે અત્યાર સુધીમાં આ કેસમાં ઝડપાયેલા આરોપીઓની સંખ્યા 41 પર પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે આ કેસમાં પ્રથમ વખત કોંગ્રેસ સાથે જોડાયેલા એક રાજકીય ચહેરાનું નામ ચર્ચામાં આવ્યું છે.

તપાસ એજન્સીના જણાવ્યા મુજબ કૌશિક જોષી સામે જિલ્લાના વિવિધ ગામોમાં યોજનાના અમલીકરણ દરમિયાન ગેરરીતિ આચરવાના આરોપો છે. CID ક્રાઇમ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કૌભાંડના અન્ય પાસાઓની પણ તપાસ ચાલી રહી છે.

કોંગ્રેસ સાથે જોડાણને લઈને ચર્ચા

સ્થાનિક રાજકીય વર્તુળોમાં કૌશિક જોષી કોંગ્રેસ સાથે જોડાયેલા ચહેરા તરીકે ઓળખાય છે. તેઓ અગાઉ લુણાવાડા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના દાવેદાર તરીકે ચર્ચામાં રહ્યા હોવાનું સ્થાનિક સ્તરે કહેવાય છે. ઉપરાંત કૌશિક જોષી કોંગ્રેસ કાર્યકર અને પૂર્વ જિલ્લા પંચાયત કોંગ્રેસ સદસ્ય રેખાબેન જોષીના પતિ છે. જો કે CID ક્રાઇમ દ્વારા નોંધાયેલી કાર્યવાહી કૌભાંડ અને ગેરરીતિના આરોપોને આધારે કરવામાં આવી છે. તપાસ એજન્સીએ રાજકીય જોડાણ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
44 ગામોમાં ગેરરીતિના આરોપ

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ કૌશિક જોષી સામે મહીસાગર જિલ્લાના કુલ 44 ગામોમાં ગેરરીતિ આચરવાનો આરોપ છે. તેમાં ખાનપુર તાલુકાના 31 ગામો, કડાણા તાલુકાના 8 ગામો, લુણાવાડા તાલુકાના 4 ગામો અને સંતરામપુર તાલુકાના 1 ગામનો સમાવેશ થાય છે. તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર યોજના હેઠળ કરાયેલા કામો, ચૂકવાયેલા બિલો અને વાસ્તવિક કામગીરી વચ્ચેના તફાવતોની તપાસ દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. આ આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સરકારની રૂ. 5.17 કરોડથી વધુ રિકવરી બાકી

તપાસ દસ્તાવેજો મુજબ આરોપી કોન્ટ્રાક્ટર પાસેથી સરકારને અંદાજે રૂ. 5.17 કરોડથી વધુની વસૂલાત બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે. CID ક્રાઇમ હવે આ નાણાકીય વ્યવહારો અને ચુકવણીઓની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ યોજના હેઠળ થયેલા ખર્ચ અને સ્થળ પર થયેલા કામોની સરખામણી કરીને નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: મહેસાણામાં EPS-95 પેન્શનર્સનું રાષ્ટ્રીય મહાસંમેલન : ન્યૂનતમ ₹7,500 પેન્શનની માંગ સાથે સરકાર સામે ઉગ્ર રોષ

41 આરોપીઓ સુધી પહોંચી તપાસ

આ કેસમાં અત્યાર સુધી કુલ 41 લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું તપાસ એજન્સીના રેકોર્ડ દર્શાવે છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં વાસ્મો (WASMO) સાથે સંકળાયેલા કેટલાક તત્કાલીન કર્મચારીઓ, વિવિધ કોન્ટ્રાક્ટરો, પાણી સમિતિના પ્રતિનિધિઓ તેમજ અન્ય વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now