રાજ્યમાં જર્જરિત સરકારી ઇમારતો અને તંત્રની ઘોર બેદરકારી વધુ એક માસૂમની બલિ લઈ ચૂકી છે. જિલ્લાના માધવગઢ ગામમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સરકારી તંત્રની પોલ ખોલી દીધી છે. અહીં એક જૂની પ્રાથમિક શાળાની જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થતાં 12 વર્ષના નિર્દોષ બાળકનું દટાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 કલાકથી પરિવાર ન્યાયની માંગ સાથે હોસ્પિટલના પટાંગણમાં અડિંગો જમાવીને બેઠો છે.
રમતા રમતા કાળ આંબી ગયો
માધવગઢ ગામમાં આવેલી જૂની શાળાના મકાનને તોડી પાડવાની મંજૂરી ઘણા સમય પહેલા મળી ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અંદાજે છ મહિના પહેલા આ મકાન તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ અજ્ઞાત કારણોસર કોન્ટ્રાક્ટર અથવા તંત્ર દ્વારા આ કામ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું હતું. અડધી તોડાયેલી દીવાલો કોઈપણ જાતના રક્ષણ વગર ખુલ્લી છોડી દેવામાં આવી હતી, જે સીધી રીતે જ નિર્દોષ લોકો માટે યમદૂત સમાન સાબિત થઈ છે.
17 એપ્રિલે સાંજના સમયે, 12 વર્ષીય રઘુનંદ સિંહ રાઠોડ શાળાના મેદાન નજીક રમી રહ્યો હતો, ત્યારે અચાનક જ જર્જરિત દીવાલનો એક મોટો હિસ્સો કડાકાભેર તેની ઉપર પડ્યો હતો. બાળક દીવાલના કાટમાળ નીચે દટાઈ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ભારે જહેમત બાદ કાટમાળ ખસેડી રઘુનંદને બહાર કાઢ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.
તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો આક્રોશ
આ દુર્ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતા જ માધવગઢ ગામમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી, જે થોડી જ વારમાં ઉગ્ર આક્રોશમાં ફેરવાઈ ગઈ હતી. જો દીવાલ તોડવાનું કામ છ મહિનાથી બંધ હતું, તો તેની આસપાસ સુરક્ષા ફેન્સિંગ કે ચેતવણીના બોર્ડ કેમ લગાવવામાં ન આવ્યા? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું હતું? આવા અનેક વેધક સવાલો સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદના 'ઢોંસાનું ખીરું' કેસમાં FSL રિપોર્ટમાં મોટો ખુલાસો : હવે કોકડું વધુ ગુચવાયું; જાણો ક્યાં અટકી છે કડી?
પરિવારની મક્કમતા: "ન્યાય નહીં તો મૃતદેહ નહીં"
મૃતકના પિતા સૂર્યસિંહ અભેસિંહ રાઠોડએ કહ્યું કે, "20 કલાક બોડીને (મૃતદેહને) થઈ ગયા છે, છતાં સાહેબ આગળ પંચનામું કે કશું કરતા નથી. આગળ એક્શન જીપી સાહેબ લેતા નથી. ઉપરનું દબાણ છે મોટા અધિકારીઓનું, એટલે સાહેબ આગળ એફઆઈઆર (FIR) ફાડતા નથી. અને એફઆઈઆર ફાટે અને અમને એફઆઈઆરની નકલ મળે એટલે અમે બોડી લેવા તૈયાર છીએ. જો કસૂરવાર કર્મચારીઓ ઉપર એક્શન લેવાય પૂરેપૂરી."






