અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી મારુતિ પ્લાઝા સોસાયટીમાં ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના મોતના મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનામાં હવે FSL (Forensic Science Laboratory) નો રિપોર્ટ સામે આવ્યો છે, જેણે પોલીસની તપાસને વધુ જટિલ બનાવી દીધી છે. એફએસએલના રિપોર્ટ મુજબ, ડેરીમાંથી લેવામાં આવેલા ખીરાના નમૂનામાં કોઈ પણ પ્રકારનો ઝેરી કે શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી. આ રિપોર્ટ બાદ હવે સવાલ એ ઉભો થાય છે કે, જો ખીરું સુરક્ષિત હતું, તો આખા પરિવારની તબિયત કેવી રીતે લથડી અને બે બાળકીઓના મોત પાછળનું અસલી કારણ શું છે?
મળતી માહિતી અનુસાર,ચાંદખેડામાં થોડા દિવસ પૂર્વ ઢોસાનું ખીરું” ખાવાથી કથિત રીતે બે બાળકીઓના થયેલા મોત બાદ જેની રાહ જોવાથી હતી તે FSL રીપોર્ટ પોલીસને મળી ગયો છે,બાળકીઓનું પોસ્ટ મોર્ટમ કરવા સાથે 'વિસેરા નમુના' લેવામાં આવ્યા હતા જે FSLમાં મોકલવામાં આવ્યા હતા,જેનો રીપોર્ટ આજે ચાંદખેડા પોલીસને મળી ગયો છે,ચાંદખેડા પોલીસ દ્વારા FSLનો આ વિસેરા રીપોર્ટ બાળકીઓના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરનાર તબીબોની પેનલને મોકલી આપવામાં આવ્યો છે. તબીબોની પેનલ વિસેરા રીપોર્ટનો અભ્યાસ કર્યા બાદ બંને બાળકીઓના મૃત્યુના અસલી કારણોના તારણો આપશે,અને ત્યાર પછી જ એ સપષ્ટ થશે કે, બાળકીઓનું મૃત્યુ કેવી રીતે થયું અને તેના માટે જવાબદાર કોણ?
પોલીસ હવે આ કેસમાં 'ફૂડ પોઈઝનિંગ' સિવાયના અન્ય પાસાઓ પર તપાસ કેન્દ્રીત કરી રહી છે. ખાસ કરીને બાળકીઓના માતા-પિતાના બ્લડ રિપોર્ટમાં 'ઊંઘની દવા'નું કન્ટેન્ટ મળી આવતા અને ઘરમાંથી મળેલી પત્નીની ડાયરીના પાનાઓએ આ કેસને રહસ્યમય બનાવી દીધો છે. શું આ માત્ર એક અકસ્માત છે કે પછી આર્થિક સંકડામણ કે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં સર્જાયેલું કોઈ અજુગતું કૃત્ય? પોલીસ હવે મિનિટ-ટુ-મિનિટ મોનિટરિંગ કરીને આ મોતનું સિક્રેટ ઉકેલવા મથામણ કરી રહી છે.
FSL રિપોર્ટમાં ડેરી ક્લીન: અન્ય કોઈ ગ્રાહકને અસર કેમ ન થઈ?
ચાંદખેડા પોલીસે તપાસના ભાગરૂપે ઘનશ્યામ ડેરી પરથી ખીરાના સેમ્પલ લીધા હતા. પોલીસનું તર્ક છે કે, જો ડેરીના ખીરામાં કોઈ ખામી હોત, તો તે દિવસે ખીરું ખરીદનાર અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગ થવું જોઈતું હતું. પરંતુ અન્ય કોઈ ફરિયાદ ન આવતા અને હવે એફએસએલ રિપોર્ટમાં પણ કંઈ શંકાસ્પદ ન મળતા, પોલીસની શંકાની સોય હવે પરિવારના સભ્યો અને ઘરની અંદર બનેલી ઘટનાઓ તરફ વળી છે.
ઘટનાક્રમ
આ કેસમાં ક્યારે શું થયું તેની વિગતો કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી:
1 એપ્રિલ: વિમલ પ્રજાપતિ ડેરીમાંથી ખીરું લાવ્યા અને ઢોસા ખાધા.
2 એપ્રિલ: પત્ની ભાવનાબેન અને 4 વર્ષની દીકરી મીશ્રીએ ઢોસા ખાધા.
3 એપ્રિલ: આખા પરિવારની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા.
4 એપ્રિલ: અઢી મહિનાની બાળકી રાહાનું મોત થયું, જેની જાણ પોલીસને કરાઈ નહોતી.
5 એપ્રિલ: 4 વર્ષની દીકરી મીશ્રીનું પણ કરુણ મોત નિપજ્યું.
7 એપ્રિલ: દફનાવી દેવાયેલી રાહાનો મૃતદેહ 4 દિવસ બાદ બહાર કાઢી તપાસ હાથ ધરાઈ.
8 એપ્રિલ: માતા-પિતાના રિપોર્ટમાં ઊંઘની દવાનું તત્વ મળી આવ્યું.
આ પણ વાંચો: ઢોંસાનું ખીરું ખરીદતા અમદાવાદીઓમાં ફફડાટ : શું ખરેખર બે માસૂમના મોત પાછળ ઢોંસાનું ખીરું છે જવાબદાર?
પત્નીની ડાયરીમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા અને માનતાનો ઉલ્લેખ
પોલીસને તપાસ દરમિયાન પત્ની ભાવનાબેનની એક ડાયરી મળી આવી છે. આ ડાયરીમાં તેમણે પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવને કરેલી પ્રાર્થના અને માનતા રાખ્યા હોવાનો ઉલ્લેખ મળ્યો છે. પરિવારમાં પહેલેથી એક દીકરી હતી અને બીજી દીકરી (રાહા) ના જન્મ પહેલાની આ નોંધ છે. પોલીસ હવે આ પાસાને આર્થિક સંકડામણ અને પારિવારિક ઝઘડા સાથે જોડીને તપાસી રહી છે કે શું આ માનસિક દબાણ હેઠળ લેવાયેલું કોઈ પગલું હતું?
CCTV અને મિનિટ-ટુ-મિનિટ ટ્રેકિંગ
વિમલ પ્રજાપતિ જ્યારે ડેરીએથી ખીરું લઈને નીકળ્યા ત્યારે તેઓ સીધા ઘરે ગયા હતા કે રસ્તામાં ક્યાંય રોકાયા હતા? આ જાણવા માટે પોલીસે ડેરીથી લઈને ઘર સુધીના તમામ CCTV ફૂટેજ કબજે કર્યા છે. પોલીસને શંકા છે કે ખીરામાં કંઈક 'અજુગતું' ઘરે પહોંચ્યા બાદ અથવા રસ્તામાં ભળ્યું હોઈ શકે છે. આ ઉપરાંત એફએસએલની ટીમે ઘરમાંથી ચાદર, બાળકોની દવાઓ અને વાસણો પણ કબજે કર્યા છે, જેની ઉંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
શું હતી સમગ્ર ઘટના?
ચાંદખેડામાં રહેતા એક શ્રમિક પરિવારે રાત્રિના ભોજનમાં ખીરામાંથી બનાવેલી વાનગી ખાધી હતી. ભોજનના થોડા સમય બાદ જ પરિવારની બે નાની બાળકીઓની તબિયત અચાનક લથડી હતી અને ટૂંકી સારવાર બાદ તેમનું અવસાન થયું હતું. પરિવારે આક્ષેપ કર્યો હતો કે ખીરું ખાધા બાદ જ આ સ્થિતિ સર્જાઈ હતી, જેના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
હવે આગળ શું?
હવે પોલીસ બાળકીઓના વિસેરા (Visera) રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેનાથી સ્પષ્ટ થશે કે તેમના શરીરમાં કોઈ આંતરિક ઈન્ફેક્શન કે અન્ય કોઈ કારણોસર મોત થયું છે કે કેમ. આ સાથે જ પોલીસ એ દુકાનદારની પણ પૂછપરછ કરી શકે છે જ્યાંથી આ ખીરું ખરીદવામાં આવ્યું હતું. હાલ તો રિપોર્ટ આવતા જ પોલીસ ફરી એકવાર ઝીણવટભરી તપાસમાં જોતરાઈ છે.






