Chandkheda Dosa Khiru Case: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બનેલી બે નાનકડા બાળકોના શંકાસ્પદ મોતની ઘટનામાં તપાસનો દોર વધુ ગતિશીલ બન્યો છે. 3 વર્ષની મિસ્ટી અને અઢી માસની રાહાના મોતને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા, જેના જવાબ માટે હવે ફોરેન્સિક તપાસનો મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. પોલીસને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) તરફથી વિસેરા સેમ્પલનો રિપોર્ટ મળી ગયો છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી અને બંને બાળકોના મોત પાછળનું સાચું કારણ જાણવા માટે વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે. હાલમાં સુધીના તમામ રિપોર્ટ્સને આધારે જ આખરી નિષ્કર્ષ પર પહોંચવામાં આવશે.
તમામ રિપોર્ટ્સનું સંયુક્ત એનાલિસિસ
તપાસમાં અત્યાર સુધીમાં અનેક મહત્વના પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, જેમાં પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ, બ્લડ રિપોર્ટ, તેમજ માતા-પિતાના બ્લડ સેમ્પલનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક મુદ્દાઓમાં વધુ સ્પષ્ટતા મેળવવા માટે ડોક્ટરોની જરૂરિયાત ઊભી થઈ હતી, જેના આધારે તબીબી નિષ્ણાતોને જોડવામાં આવ્યા છે. હવે FSL રિપોર્ટ મળ્યા બાદ આ તમામ રિપોર્ટ્સનું સંયુક્ત એનાલિસિસ કરવામાં આવશે, જેથી દરેક એંગલથી કેસને સમજી શકાય. ખાસ કરીને વિસેરા રિપોર્ટમાં મળેલી માહિતી અને બ્લડ રિપોર્ટ વચ્ચે કોઈ સંકલન કે વિસંગતતા છે કે નહીં, તે મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
ACP દિગ્વિજયસિંહ રાણાનું નિવેદન
આ મામલે ACP L ડિવિઝન દિગ્વિજયસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ચાંદખેડા વિસ્તારમાં બે નાનકડા બાળકોના શંકાસ્પદ મોતના મામલે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) તરફથી વિસેરા સેમ્પલનો રિપોર્ટ અમને પ્રાપ્ત થયો છે. આ રિપોર્ટને વધુ તપાસ માટે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને નિષ્ણાતોની ટીમને સોંપવામાં આવ્યો છે. હવે ડોક્ટર અને ફોરેન્સિક એક્સપર્ટ સાથે આ રિપોર્ટનું વિગતવાર એનાલિસિસ કરવામાં આવશે. આ કેસમાં અત્યાર સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ, બ્લડ રિપોર્ટ તેમજ માતા-પિતાના બ્લડ સેમ્પલ સહિતના તમામ જરૂરી પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. FSL રિપોર્ટને આ તમામ રિપોર્ટ્સ સાથે સંકલિત કરીને તપાસ કરવામાં આવશે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. એનાલિસિસ પૂર્ણ થયા બાદ જે તથ્યો સામે આવશે, તેના આધારે તપાસની આગળની દિશા નક્કી કરવામાં આવશે. હાલ સૌથી મહત્વની બાબત બંને બાળકોના મોતનું સાચું કારણ જાણવા છે, અને તેના માટે અમે દરેક એંગલથી તપાસ કરી રહ્યા છીએ.





