Surat News: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અલથાણા વિસ્તારમાં એક 45 વર્ષીય વિધર્મી યુવક દ્વારા ધોરણ 10માં ભણતી સગીરાની છેડતી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ હિન્દુ સંગઠનો અને સ્થાનિક લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.
લોકોનો આક્રોશ એટલી હદે હતો કે, પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી તેને પોલીસ વેનમાં બેસાડ્યો, ત્યારે ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો હાથમાં લઈ આરોપીને પોલીસ વાનમાંથી બહાર ઢસળી કાઢ્યો હતો. લોકોએ આરોપીને અર્ધનગ્ન કરી રસ્તા પર જ ઢોરમાર માર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થિતિને કાબૂમાં લેવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક ધારાસભ્યએ પણ મેદાને ઉતરવું પડ્યું હતું.

સગીરાની છેડતી અને પોલીસની કાર્યવાહી
મળતી વિગતો મુજબ, અલથાણા વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરાનો હાથ પકડીને 45 વર્ષીય વિધર્મી યુવકે તેની છેડતી કરી હતી. આ બાબતે સગીરાએ હિંમત દાખવી પરિવારને જાણ કરતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. અલથાણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી હતી. જોકે, આ વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી કે આરોપી વિધર્મી છે, જેના કારણે મામલો વધુ ગરમાયો હતો.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરતમાં તંત્ર સજ્જ : 9 હજાર જવાનોનો લોખંડી બંદોબસ્ત
પોલીસ વેન પર હુમલો અને આરોપીને મેથીપાક
આરોપીને જ્યારે પોલીસ વેનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત સેંકડો સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશનને બાનમાં લીધું હતું. ટોળાએ પોલીસ વેનને ઘેરી લીધી અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં જ આરોપીને બહાર ખેંચી કાઢ્યો હતો. ઉશ્કેરાયેલા લોકોએ આરોપીને લાત-ઘુસા અને ગડદા-પાટુનો માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. પોલીસે બચાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં લોકોનો આક્રોશ શાંત થયો નહોતો.

MLA મનુ પટેલ અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા
ઘટનાની ગંભીરતા જોતા એસીપી (ACP) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અલથાણા પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો. વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે લોકોને કાયદો હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓએ પીડિત પરિવારને કડક ન્યાય અપાવવાની ખાતરી આપ્યા બાદ લોકોનું ટોળું વિખેરાયું હતું.
વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
હાલમાં અલથાણા વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આખા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અફવા ન ફેલાય. પોલીસનું કહેવું છે કે છેડતીના આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





