Home Gujarat Ahmedabad Lpg Cylinder Price Hike India 2026

કમર્શિયલ LPG સિલિન્ડર ભાવમાં જંગી વધારો : ચૂંટણી પછી જનતા પર આર્થિક બોજ: મનીષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ દોશીની છબી
Play Video
Published by: Niraj Chokshi
Last Updated: May 01, 2026, 02:49 PM IST

દેશભરમાં મોંઘવારીની વચ્ચે કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં થયેલા ભારે વધારાએ સામાન્ય જનતા, નાના વેપારીઓ અને શ્રમિક વર્ગ માટે વધુ મુશ્કેલી ઊભી કરી છે. 1 મે થી 19 કિલોગ્રામના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹993નો વધારો નોંધાયો છે, જેના કારણે તેનો ભાવ ₹2078.50થી વધીને ₹3071.50 થયો છે. એક જ દિવસે લગભગ 50 ટકા જેટલો આ વધારો છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધાયેલ સૌથી મોટો વધારો ગણાઈ રહ્યો છે.

આ ભાવવધારાનો સીધો પ્રભાવ રેસ્ટોરન્ટ, હોટેલ, ઢાબા, ચા સ્ટોલ અને ફૂડ વ્યવસાય સાથે જોડાયેલા લાખો લોકો પર પડશે. પરિણામે ખાણીપીણીના દરોમાં પણ વધારો થવાની સંભાવના છે, જે અંતે સામાન્ય ગ્રાહકોને અસર કરશે.

5 કિલોનો સિલિન્ડર પણ મોંઘો

કમર્શિયલ સિલિન્ડર ઉપરાંત 5 કિલોગ્રામના ફ્રી ટ્રેડ LPG (FTL) સિલિન્ડરના ભાવમાં પણ ₹261નો વધારો કરવામાં આવ્યો છે. હવે આ સિલિન્ડર ₹549થી વધીને ₹810 થયો છે. આ સિલિન્ડર ખાસ કરીને પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ અને ઓછી આવકવર્ગ માટે ઉપયોગી માનવામાં આવે છે.

આ વધારો એવા વર્ગ માટે ગંભીર છે, જે રોજિંદા ખર્ચમાં સંતુલન સાધીને જીવન પસાર કરે છે. મજૂર દિવસના દિવસે જ આ પ્રકારનો ભાવ વધારો થવાથી શ્રમિક વર્ગ પર વધારાનો આર્થિક બોજ પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: આ રાજ્યમાં 6 મેના રોજ હોટેલ-રેસ્ટોરન્ટ બંધ : LPG સિલિન્ડરના 993 રૂપિયાના ભાવવધારા સામે રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત

છેલ્લા ચાર મહિનામાં સતત વધારો

છેલ્લા ચાર મહિનામાં કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં કુલ ₹1518નો વધારો થયો છે. આ સતત વધારા કારણે નાના વ્યવસાયિકો માટે ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે.ખાસ કરીને સ્ટ્રીટ ફૂડ વેચનાર, રેંકડી-લારીવાળા અને નાના હોટેલ વ્યવસાયીઓ માટે આ વધારો વ્યવસાય પર સીધી અસરકારક સાબિત થઈ શકે છે. વધતા ખર્ચને પહોંચી વળવા માટે તેઓ ભાવ વધારવા મજબૂર બનશે.

રાજકીય પ્રતિક્રિયા

આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. પક્ષના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ આ ભાવવધારાને “ચૂંટણી પછી જનતા પર થોપાયેલો આર્થિક બોજ” ગણાવ્યો છે.

તેમણે આક્ષેપ કર્યો છે કે ચૂંટણી દરમિયાન મોંઘવારીને નિયંત્રિત રાખ્યા બાદ હવે ભાવોમાં જંગી વધારો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે અને સામાન્ય લોકો માટે રાહતના પગલાં લેવામાં આવે.

આ પણ વાંચો: કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો : કેટલાક વેપારી સગડા પર ધંધો કરવા મજબૂર, કેટલાક વેપારીઓએ ધંધો કર્યો બંધ

અર્થતંત્ર અને ગ્રાહકો પર અસર

LPGના ભાવમાં વધારો માત્ર ગેસ સુધી મર્યાદિત રહેતો નથી પરંતુ તેનો પ્રભાવ સમગ્ર અર્થતંત્ર પર પડે છે. ખાણી પીણીના દરો, કેટરિંગ ખર્ચ, લગ્ન પ્રસંગો અને ઓનલાઈન ફૂડ ડિલિવરી સેવાઓ પણ મોંઘી બનવાની શક્યતા છે. સાથે જ, વધતા ઈંધણ ખર્ચને કારણે ભવિષ્યમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો એવું થાય તો મોંઘવારી વધુ વધવાની આશંકા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now