દેશમાં વધતી મોંઘવારી વચ્ચે ફરી એકવાર સામાન્ય લોકો અને ખાસ કરીને નાના વેપારીઓને મોટો ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં આશરે ₹993નો વધારો થયો છે. ભાવ વધતા ખાણીપીણીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. ગેસના વધેલા ભાવથી રાજકોટના ખાણીપીણીના વેપારીઓ મુશ્કેલીમાં મુકીાયા છે. ધંધો બંધ કરવાની નોબત આવી ગઈ છે.
આ ભાવ વધારાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી અસ્થિર પરિસ્થિતિઓ ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને માનવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિના સીધા પ્રભાવ તરીકે ઈંધણના ભાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.
આ પણ વાંચો: Cylinder Price Update: શું ગેસના ભાવ ઘટશે? : પેટ્રોલ-ડીઝલમાં પણ મળશે રાહત? જાણો શું છે સરકારનો પ્લાન
રાજકોટમાં નાના વેપારીઓ પર સીધી અસર
રાજકોટ શહેરમાં નાની હોટલ, લારીઓ, ઢાબા અને સ્ટ્રીટ ફૂડનો વ્યવસાય કરતા વેપારીઓ પર આ ભાવ વધારાનો સૌથી મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે. ઘણા વેપારીઓએ જણાવ્યું કે ગેસના વધેલા ખર્ચને કારણે તેમના રોજિંદા ખર્ચમાં ભારે વધારો થયો છે, જેને ગ્રાહકો પર સંપૂર્ણ રીતે ટ્રાન્સફર કરવો શક્ય નથી. પરિણામે નફો ઘટી રહ્યો છે અને કેટલાક વેપારીઓ માટે તો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે. કેટલાક વેપારીઓ હવે ગેસના બદલે સગડા અથવા અન્ય વિકલ્પો તરફ વળી રહ્યા છે, જ્યારે કેટલાકે તો ધંધો બંધ કરવાની પરિસ્થિતિ પણ સર્જાઈ હોવાનું જણાવ્યું છે.
ખાણીપીણીના ભાવમાં વધારો
ગેસના વધેલા ભાવને કારણે ખાણીપીણીના ભાવોમાં વધારો થવો લગભગ અનિવાર્ય બની ગયો છે. ખાસ કરીને નાસ્તા, ચા, નાની હોટલોમાં મળતા ભોજન અને સ્ટ્રીટ ફૂડના ભાવોમાં વધારો થવાની શક્યતા છે. આનો સીધો પ્રભાવ સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે. પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકો માટે આ વધુ એક આર્થિક ભાર સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: LPG Cylinder Price Hike; જેની બીક હતી એ જ થયું! : ગેસના બાટલાના ભાવમાં ભડકો, જાણો કેટલામાં પડશે એક સિલિન્ડર
વેપારીઓની માંગ
નાના વેપારીઓએ માંગણી કરી છે કે કોમર્શિયલ ગેસના ભાવમાં રાહત આપવામાં આવે અથવા સબસિડી જેવી વ્યવસ્થા કરવામાં આવે. તેમનું કહેવું છે કે જો આ પ્રકારનો ભાવવધારો સતત ચાલુ રહેશે, તો નાના વ્યવસાય ટકાવી રાખવા મુશ્કેલ બનશે અને રોજગારી પર પણ અસર પડશે.
હાલમાં સરકાર તરફથી આ મુદ્દે કોઈ રાહતની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વધતી મોંઘવારીને લઈને ચર્ચા તેજ બની રહી છે. જો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિમાં સ્થિરતા આવે તો ઈંધણના ભાવમાં ઘટાડો શક્ય છે. પરંતુ હાલ માટે વેપારીઓ અને ગ્રાહકો બંને માટે આ સમય પડકારજનક બની રહ્યો છે.





