Home Gujarat Lioness Attack In Hamapur Village Of Amreli

અમરેલીના હામાપુર ગામે સિંહણનો હિંસક હુમલો : 5 વર્ષના બાળકને ફાડી ખાધો, ગામમાં શોક અને ભયનો માહોલ

અમરેલીના હામાપુર ગામે સિંહણનો હિંસક હુમલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 02:57 PM IST

અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના હામાપુર ગામે સિંહણ દ્વારા 5 વર્ષના બાળકને ઉઠાવી લઈ જઈ ફાડી નાખવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે.

હામાપુર ગામે સિંહણનો હુમલો

મળતી માહિતી મુજબ, હામાપુર ગામે નંદલાલભાઈ શાંતિભાઈની વાડીમાં પરપ્રાંતીય મજૂર પરિવાર ભાગ્યા તરીકે રહેતો હતો. પરિવારનું બાળક કનક વિનોદભાઈ (ઉ.વ. 5) વાડીમાં પાણીની કુંડી પાસે રમતો હતો. તે દરમિયાન અચાનક જ એક સિંહણ વાડી સુધી ઘૂસી આવી અને ચકિત કરી દે તેવા હુમલામાં બાળકને મોઢામાં પકડીને ઉઠાવી ગઈ. સિંહણ બાળકને નજીકના તુવેરના પાકમાં લઈ જઈ ત્યાં જ ફાડી નાંખ્યો હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળે જ બાળકનું મોત નિપજ્યું હતું.

વાડીમાં ચીસો-પોકાર મચી ગયો હતો

આ ઘટનાની જાણ થતાં જ વાડી વિસ્તારમાં ચીસો-પોકાર મચી ગયો હતો. ગ્રામજનો ટોળે વળી પહોંચ્યા હતા, પરંતુ તે સમય સુધી બાળકને બચાવી શકાશે તેવી કોઈ શક્યતા રહી નહોતી. બાળકના મૃતદેહને પ્રાથમિક કાર્યવાહી બાદ પી.એમ. માટે બગસરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગામજનોમાં ભારે ગભરાટ

ઘટનાની જાણ થતાં જ અમરેલી વન વિભાગના ACF, RFO અને વન સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. વન વિભાગે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે અને સિંહણની હિલચાલ પર નજર રાખવા માટે પાંજરા અને ટ્રેકિંગ ટીમો પણ મોકલવામાં આવી રહી છે. આ દુર્ઘટનાએ વિસ્તારના પરપ્રાંતીય મજૂર પરિવારોમાં અને ગામજનોમાં ભારે ગભરાટ ફેલાવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now