Home Gujarat Lion Dies Due To Illegal Electrocution In Kaj Village Of Kodinar

કોડીનારના કાજ ગામે ગેરકાયદે વીજ કરંટથી સિંહનું મોત : ખેડૂત માનસિંગ ઝાલાની ધરપકડ, સમગ્ર વિસ્તારમાં ચકચાર

કોડીનારના કાજ ગામે ગેરકાયદે વીજ કરંટથી સિંહનું મોત
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 06:34 AM IST

ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર વન્યજીવન પર માનવ લાલચનો ઘાતક હુમલો સામે આવ્યો છે. કોડીનાર તાલુકાના કાજ ગામે ગેરકાયદે વીજ કરંટના કારણે એક સિંહનું મોત થયું છે. મળતી માહિતી મુજબ, આશરે 3 થી 4 વર્ષના આ સિંહનું મોત ખેડૂત દ્વારા વાડીએ મૂકવામાં આવેલા ગેરકાયદે વીજ કરંટમાં ફસાઈ જવાથી થયું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે અને વન્યજીવન સુરક્ષા મુદ્દે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

વીજ કરંટથી સિંહનું મોત

આ મામલે સ્થાનિક વનતંત્રની બેદરકારી પણ ખુલ્લી પડી છે. વન વિભાગના DCF પ્રસંત તોમરે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ ઘટના ચાર દિવસ અગાઉની છે. વન વિભાગને જાણ થતા જ તપાસ હાથ ધરવામાં આવી હતી. શરૂઆતમાં વાડીના માલિક માનસિંગ ઝાલાએ પોતે કોઈ ગુનો કર્યો હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વન વિભાગ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનો કબૂલ્યો હતો.

આરોપી માનસિંગ ઝાલાની ધરપકડ

માનસિંગ ઝાલાએ કબૂલાત કરી હતી કે જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી બચવા માટે તેણે પોતાની વાડીએ ગેરકાયદે વીજ કરંટ મૂક્યો હતો, જેના કારણે નિર્દોષ સિંહનું મોત થયું. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી માનસિંગ ઝાલાની ધરપકડ કરી હતી. આરોપીને કોડીનાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીનો હુકમ આપવામાં આવ્યો છે. હાલ આરોપી જૂનાગઢ જેલ હવાલે છે.

સમગ્ર વિસ્તારમાં રોષ અને ચિંતા વ્યાપી

આ ઘટનાની તપાસ દરમિયાન વધુ એક ગંભીર બાબત સામે આવી છે કે ઘટના સ્થળની આસપાસ અનેક વાડીઓમાં પણ ગેરકાયદે કરંટ ફેન્સિંગ કરવામાં આવી છે. વીજ કરંટથી સિંહના મોત બાદ સમગ્ર વિસ્તારમાં રોષ અને ચિંતા વ્યાપી છે. વન્યજીવન સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્ન ઊભો થયો છે કે સિંહ મરે ત્યાર બાદ જ કાર્યવાહી કેમ થાય છે? આવી ઘટનાઓ પહેલા અટકાવવા માટે યોગ્ય પગલાં કેમ લેવામાં આવતા નથી?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની