Home Gujarat Rajkot Limbdi Ramnagar Election Boycott 40 Years No Basic Facilities

લીંબડીના રામનગરમાં 40 વર્ષની ઉપેક્ષા સામે બળવો : રહેવાસીઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કર્યો બહિષ્કાર

લીંબડીના રામનગર વિસ્તારમાં રહેવાસીઓ ચૂંટણી બહિષ્કારના બેનર સાથે વિરોધ
Published by: Viral Patel
Last Updated: Apr 13, 2026, 02:35 PM IST

Limbdi News: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલ રામનગર વિસ્તારના રહીશોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. છેલ્લા ચાર દાયકાથી પાયાની સુવિધાઓથી વંચિત રહેલા સ્થાનિકોએ આકરા પાણીએ આવીને વિરોધ પ્રદર્શન કર્યું છે.

40 વર્ષથી સમસ્યાઓનું ગ્રહણ

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા 40 વર્ષથી આ વિસ્તાર વિકાસથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યો છે. મુખ્ય સમસ્યાઓમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે. વર્ષોથી અહીંના રસ્તાઓ કાચા અને ખાડાટેકરાવાળા છે, જેના કારણે ચોમાસામાં અહીંથી પસાર થવું દુષ્કર બની જાય છે. વિસ્તારમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોવાથી ગંદા પાણીનો નિકાલ થતો નથી, જે રોગચાળાને આમંત્રણ આપે છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના આકરા તેવર.... : "અધિકારીઓ લોકશાહીનું હનન કરવાનું બંધ કરે"

વિરોધના વંટોળ સાથે ચૂંટણી બહિષ્કાર

પોતાની લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ પૂરી ન થતા, રોષે ભરાયેલા રહીશોએ એકત્ર થઈને વિસ્તારમાં 'ચૂંટણી બહિષ્કાર'ના બેનરો લગાવ્યા છે. આ બેનરો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જ્યાં સુધી પાકા રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ નહીં મળે, ત્યાં સુધી તેઓ મતદાનમાં ભાગ લેશે નહીં.

લેખિત જાણ કરવામાં આવી

સ્થાનિકોએ માત્ર સૂત્રોચ્ચાર કે બેનરો સુધી સીમિત ન રહેતા, આ અંગેની લેખિત જાણ લીંબડી ચૂંટણી અધિકારીને પણ કરી દીધી છે. વિસ્તારના લોકોનું કહેવું છે કે, "વિકાસ વગર અમારો મત નહીં." હવે જોવાનું એ રહે છે કે આ આંદોલન બાદ તંત્ર દ્વારા કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવે છે કે કેમ.

આ પણ વાંચો: અધિકારીઓની મનમાની સામે ઠાકરશી રબારી આકરા પાણીએ : 'થરાદની ધરતી પર હવે યુદ્ધ ખેલાશે'


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now