Home Gujarat Light To Moderate Rain Forecast For 7 Days In Gujarat

ગુજરાતમાં 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી : નવરાત્રિ અંગે અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી

ગુજરાતમાં 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 04:30 AM IST

હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદી માહોલની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 42થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારોને આવતા બે દિવસ સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 28થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતમાં 2થી 4 ઈંચ વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

આગામી 5થી 10 સપ્ટેમ્બર વચ્ચે પણ હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.

નવરાત્રીમાં વરસાદની સંભાવના

અંબાલાલ પટેલે ખેલૈયાઓને ચિંતિત કરતી આગાહી પણ કરી છે. તેમના દાવા અનુસાર, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે 18થી 30 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ વરસશે. એટલે નવરાત્રી દરમિયાન પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જે ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.

તેમજ 23 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમી વધવાની શક્યતા છે. અંબાલાલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર પછી ચોમાસું વિદાય લેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now