Surat News : સુરતના ઘોડદોડ રોડ પર સ્થિત નીરજ એપાર્ટમેન્ટમાં આજે લિફ્ટનો કેબલ અચાનક તૂટી પડવાથી સંગીતાબેન નામની મહિલા જીવલેણ પરિસ્થિતિમાં ફસાઈ ગઈ. ફાયર ચોપડે નોંધાયેલા વિગત અનુસાર, સંગીતાબેન ત્રીજા માળેથી લિફ્ટમાં ચઢ્યા હતા ત્યારે લિફ્ટે અચાનક ઝટકો ખાધો અને ગ્રીલ વચ્ચે અટકી ગઈ. લિફ્ટ અંદાજે ત્રણ ફૂટ સુધી નીચે ખસી ગઈ હતી, જેના કારણે સ્થિતિ અત્યંત જોખમી બની ગઈ હતી. ઘટનાને જોઈ એપાર્ટમેન્ટના રહેવાસીઓ ગભરાઈ ગયા હતા અને તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી.
લિફ્ટનો કેબલ તૂટ્યો અને...
જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી. પરંતુ બચાવ કામગીરી ફાયર જવાનો માટે સરળ નહોતી. પ્રથમ, લિફ્ટના ઉપરના ભાગમાં મજબૂત સપોર્ટ શોધીને દોરડો બાંધવામાં આવ્યો જેથી લિફ્ટ વધુ નીચે ન ખસી પડે. ત્યારબાદ જવાનો દોરડાના સહારે નીચે ઉતરી મહિલાની પાસે પહોંચ્યા. ગ્રીલનું ફસાયેલું ભાગ મશીનરીથી અતિ સાવધાનીપૂર્વક કાપવામાં મળ્યું. આખી પ્રક્રિયામાં મિલીમીટરની પણ ભૂલ જીવલેણ સાબિત થઈ શકતી હતી, તેથી ફાયર કર્મચારીઓએ પગલુંદર પગલું સાવચેતી સાથે ઓપરેશન પૂર્ણ કર્યું. અંતે લિફ્ટને સંપૂર્ણ રીતે સ્થિર કરાયા બાદ સંગીતાબેનને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા.
ફાયરના જવાનો બન્યા દેવદૂત
સ્થળ પર રહેલા લોકોએ ફાયર જવાનોની દેવદૂત સમી બહાદુરી અને સમયસૂચકતા માટે અભિનંદન પાઠવ્યા. તેમની ઝડપી કાર્યવાહી ન હોત તો પરિસ્થિતિ કેટલી ભયાનક બની હોત તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ ઘટનાને પગલે રહેવાસીઓમાં લિફ્ટની સલામતી અને મેન્ટેનન્સ અંગે ગંભીર ચિંતા અને ચર્ચા શરૂ થઈ છે. અનેક લોકોએ એપાર્ટમેન્ટ મેનેજમેન્ટને લિફ્ટના નિયમિત ચેકઅપ અને પ્રમાણભૂત મેન્ટેનન્સને પ્રાથમિકતા આપવાની માગણી પણ કરી છે.






