Home Gujarat Legislative Assembly Session Begins With Governors Address

રાજ્યપાલના સંબોધન સાથે વિધાનસભા સત્રનો પ્રારંભ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ 21 મિનિટ સંબોધન કર્યું, ઈટાલિયા-વસાવાની 'પોસ્ટર' એન્ટ્રી

રાજ્યપાલના સંબોધન સાથે વિધાનસભા સત્રનો પ્રારંભ
Published by: OBS Bureau
Last Updated: Feb 16, 2026, 07:40 AM IST

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. 15મી વિધાનસભાના આઠમા સત્રનું રાજ્યપાલના સંબોધન સાથે પ્રારંભ થયો છે. સત્રના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આશરે 21 મિનિટ સુધી ગૃહને સંબોધિત કર્યું હતું. પોતાના ભાષણમાં રાજ્યપાલે રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, કૃષિ વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલી પ્રગતિ તેમજ ગરીબ કલ્યાણ માટે હાથ ધરાયેલા પ્રયત્નોની વિગતવાર માહિતી આપી હતી.

વિધાનસભા પરિસરમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો!

સત્રના પ્રથમ જ દિવસે વિધાનસભા પરિસરમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. ઈટાલિયા અને વસાવા દ્વારા ‘ટ્રેડ ડિલ હટાવો, કિસાન બચાવો’ લખેલા પોસ્ટરો સાથે એન્ટ્રી કરવામાં આવતા ચર્ચા જગાઈ હતી. આ મુદ્દે સત્રની શરૂઆતથી જ રાજકીય હલચલ તેજ બની હતી. બીજી તરફ, ભાજપની બેઠક પણ પ્રથમ દિવસે યોજાઈ હતી, જેમાં સત્રની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ

આજે વિધાનસભામાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. સાથે જ શોકદર્શક ઉલ્લેખો કરવામાં આવશે અને સરકારી વિધેયકો તેમજ અન્ય સરકારી કામકાજ હાથ ધરાશે. આઠમા સત્ર દરમિયાન ઉપાધ્યક્ષની ચૂંટણી મહત્વપૂર્ણ મુદ્દો રહેશે. ઉપરાંત અનેક અહેવાલો ગૃહની મેજ પર મુકવામાં આવશે. તેમાં ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલો, હિસાબ, ઓડિટ અહેવાલો અને સરકારી કંપનીઓના કારોબારી અહેવાલો સામેલ રહેશે.

કામકાજ સલાહકાર સમિતિના અધિવેશનની જાહેરાત પણ થઈ શકે છે. સમગ્ર સત્ર દરમિયાન વિકાસ, વહીવટ અને નીતિગત મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now