Home National Leaving Aam Aadmi Party Aap For 20 Years Swati Maliwal Join Bjp Slams Arvind Kejriwal

દિલ્હીમાં પત્તાની જેમ વિખેરાઈ AAP : રાઘવ ચઢ્ઢા બાદ સ્વાતિ માલીવાલે કેસરીયો ધારણ કર્યો, કેજરીવાલ પર મન ભરીને કર્યા પ્રહાર

Swati Maliwal Joins BJP Arvind Kejriwal
Published by: Nirali Gohil
Last Updated: Apr 25, 2026, 11:30 AM IST

Swati Maliwal BJP: રાજધાની દિલ્હીના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા અને રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી AAP નેતૃત્વ અને સ્વાતિ માલીવાલ વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ આખરે પક્ષપલટામાં પરિણમ્યો છે. શનિવારે ભાજપમાં જોડાયા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન પર ભરોસો મૂક્યો હતો અને સાથે જ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આરોપો લગાવીને બે દાયકા જૂના સંબંધો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

કેજરીવાલ પર ગંભીર આરોપ: "મારા જ ઘરમાં ગુંડા પાસે મરાવી"

ભાજપમાં જોડાયા બાદ સ્વાતિ માલીવાલે મીડિયા સમક્ષ ભાવુક થઈને અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "હું વર્ષ 2006થી અરવિંદ કેજરીવાલ સાથે ઉભી હતી, દરેક આંદોલનમાં ખભેખભા મિલાવીને લડી હતી. પરંતુ બદલામાં મને શું મળ્યું? મારા જ ઘરમાં એક ગુંડા દ્વારા મને માર મારવામાં આવ્યો. જ્યારે મેં ન્યાય માટે અવાજ ઉઠાવ્યો ત્યારે મને ડરાવવામાં આવી, ધમકાવવામાં આવી અને FIR પાછી ખેંચવા દબાણ કરવામાં આવ્યું." માલીવાલે કેજરીવાલને 'મહિલા વિરોધી' ગણાવતા કહ્યું કે તેમને છેલ્લા બે વર્ષમાં સંસદમાં બોલવાની એક પણ તક આપવામાં આવી નથી.

પીએમ મોદીના નેતૃત્વમાં અતૂટ વિશ્વાસ

સ્વાતિ માલીવાલે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ દબાણ હેઠળ નહીં પરંતુ સ્વૈચ્છિક રીતે પીએમ મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ભાજપમાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, "એક તરફ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનું પ્રતીક બનેલા નેતા છે, તો બીજી તરફ વડાપ્રધાન મોદી છે જે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે. પછી તે નક્સલવાદનો સફાયો હોય, સર્જિકલ સ્ટ્રાઈક હોય કે સંસદમાં મહિલા અનામત બિલ લાવવાનું ઐતિહાસિક કદમ હોય, પીએમ મોદી અને અમિત શાહે હંમેશા દેશના હિતમાં નિર્ણયો લીધા છે."

આ પણ વાંચો: ચુંટણી પહેલા કેજરીવાલને મોટો ઝટકો : રાઘવ ચઢ્ઢા સહિત AAP ના 'ચાણક્ય' એ કર્યા કેસરિયા!

AAPના સાંસદોની ભાજપમાં જવાની હારમાળા

નોંધનીય છે કે, શુક્રવારે જ રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા હતા. રાઘવ ચઢ્ઢાએ અગાઉ દાવો કર્યો હતો કે માલીવાલ સહિત અન્ય સાંસદો પણ ભાજપમાં જોડાશે, જે વાત હવે સાચી ઠરી છે. સ્વાતિ માલીવાલના ગયા પછી હવે હરભજન સિંહ અને રાજેન્દ્ર ગુપ્તા જેવા નેતાઓના નામ પણ ચર્ચામાં છે, જે આગામી સમયમાં ભાજપનો ખેસ પહેરી શકે છે.

રચનાત્મક રાજકારણ માટે અપીલ

પોતાના સંબોધનના અંતે સ્વાતિ માલીવાલે અન્ય લોકોને પણ સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જે લોકો ખરેખર દેશ માટે કંઈક કરવા માંગે છે અને 'રચનાત્મક રાજકારણ'માં વિશ્વાસ ધરાવે છે, તેમણે ભાજપમાં જોડાવું જોઈએ. આમ આદમી પાર્ટી માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે માલીવાલ દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે અને પક્ષના એક મજબૂત અવાજ તરીકે જાણીતા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now