વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી પસાર થતી એક ટ્રકમાંથી બીયરનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ રૂ.૬૭.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી હતી.
બાતમીના આધારે LCBએ કરી કાર્યવાહી
મધ્ય પ્રદેશ પાસિંગના એક ટ્રકમાં દારૂનો જથ્થો ભર્યો છે તેમજ આ ટ્રક સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ જવાનો છે. તેવી બાતમીના આધારે જિલ્લા LCBની ટીમે કરજણ તાલુકાના નેશનલ હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી આધારે પોલીસે ટ્રક રોકી અંદરથી મોટા જથ્થામાં બીયરના ટીનો મળ્યા હતાં.
રૂ.૫૭.૨૨ લાખનો બીયર જપ્ત કરવામાં આવ્યો
આ ટ્રક માંથી બીયરના ૨૯,૮૮૦ ટીન જેની કિંમત રૂ.૫૭.૨૨ લાખ, એક મોબાઇલ, ટ્રક મળી કુલ રૂ.૬૭.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે ચાલક રાજેશ વેનશીમલ જેસવાણી (રહે.રાજ સોસાયટી, સૈજપુરા બોઘા, નરોડા પાટિયા, અમદાવાદ)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં બીયરનો જથ્થો બન્નાજી નામના શખ્સે ભરી આપ્યો હતો. આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






