Home Gujarat Laliyawadi Of Bharuch Municipalitys Water Works Department

ભરૂચ પાલિકાના વોટર વર્કસ વિભાગની લાલીયાવાડી! : ઝુપડપટ્ટીના રહીશોને ફટકાર્યો 5 હજારનો વેરો, લોકોમાં રોષ

ભરૂચ પાલિકાના વોટર વર્કસ વિભાગની લાલીયાવાડી!
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2026, 07:48 AM IST

ભરૂચ નગર પાલિકા હંમેશાં કોઈને કોઈ મુદ્દે વિવાદમાં રહેતી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ભરૂચ નગર પાલિકાનો વાર્ષિક પાણી વેરો માત્ર 900 રૂપિયા હોવા છતાં શહેરના કેટલાક ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને 3 થી 4 વર્ષનો પાણી વેરો બાકી હોવાનું દર્શાવી 5 હજારથી 7 હજાર રૂપિયાની નોટીસો ફટકારવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઝુપડાવાસીઓએ અગાઉના વર્ષોમાં પાણી વેરો ભર્યો હોવાની રસીદો રજૂ કરી હોવા છતાં વધુ વેરો થમાવવામાં આવતાં નગર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે.

વેરાની નોટીસો મિલકત ધારકોને આપવામાં આવી

ભરૂચ નગર પાલિકા દ્વારા વર્ષ 2025–26ના પાણી વેરાની નોટીસો મિલ્કત ધારકોને આપવામાં આવી રહી છે. પરંતુ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગેલાની કુવા, એલીસજીન, વાવ ફળીયુ, નન્નુમીયા ઝુપડપટ્ટી, લીમડીચોક, વાઘરીવાડ તેમજ ઈદગાહ દરગાહની આસપાસના સ્લમ વિસ્તારોમાં રહેતા લોકો માટે આ નોટીસો માથાનો દુખાવો બની છે. આ વિસ્તારોમાં રહેતા મોટા ભાગના લોકો ઘર કામ કરીને માસિક માત્ર 1500 થી 2000 રૂપિયા જેટલી આવક મેળવે છે. આવા ગરીબ લોકોને સીધા જ પાછલા વર્ષોના પાણી વેરા બાકી હોવાનું જણાવી મોટી રકમની નોટીસો અપાતા તેમની હાલત કફોડી બની છે.

'નગર પાલિકા પાસે યોગ્ય રેકોર્ડ ઉપલબ્ધ નથી'

આ મામલે ઝુપડાવાસી મહિલાઓના મંડળે નગર સેવકના ઘરે જઈને પાછલા વર્ષોમાં ભરેલા પાણી વેરાની રસીદો સાથે રજૂઆત કરી હતી. ત્યારે નગર સેવકે સ્વીકાર્યું હતું કે, નગર પાલિકા પાસે યોગ્ય રેકોર્ડ ઉપલબ્ધ નથી, જેના કારણે ખોટી રીતે વધુ પાણી વેરાની નોટીસો આપવામાં આવી છે. સાથે જ વોટર વિભાગ દ્વારા કોમ્પ્યુટર સોફ્ટવેરની ખામીને જવાબદાર ઠેરવી બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું આક્ષેપ નગર સેવકે કર્યો હતો.

ભરૂચ નગર પાલિકાના વહીવટ સામે ઉઠ્યા સવાલ

જો કે આ સમગ્ર વિવાદ પર ભરૂચ નગર પાલિકાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, જેઓ લોકોએ અગાઉના વર્ષોમાં પાણી વેરો ભર્યો હશે અને તેમ છતાં તેમને બાકી બતાવવામાં આવ્યો હશે, તેવા કેસોમાં જૂની રસીદોના આધારે વધારાનો પાણી વેરો બાદ કરવામાં આવશે. પાલિકાએ એ પણ જણાવ્યું છે કે, પાણી વેરો ભરવા આવતા સમયે લોકો પોતાની સાથે જૂની રસીદો રજૂ કરશે તો જ યોગ્ય સુધારણા કરીને પાણી વેરો જમા લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now