Home Gujarat Kv Student Threatens Bomb Blast Exam Prank School Destructio

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક' : શાળામાં બોમ્બ પ્લાન્ટ કર્યાનો ખોટો મેસેજ મોકલનારની અટકાયત

'સ્કૂલ વીલ બી ડિસ્ટ્રોઈડ...' મેસેજ કરી વિદ્યાર્થીનો ખોફનાક 'પ્રેન્ક'
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 02:00 PM IST

Vadodara News: વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા એરફોર્સ સ્ટેશન સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં થોડા દિવસો પહેલા મળેલી બોમ્બ ધમકી અંગે તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શાળાને ધમકી આપનાર કોઈ અજાણ્યો વ્યક્તિ નહીં પરંતુ તે જ શાળામાં ભણતો ધોરણ-10નો વિદ્યાર્થી હતો. હાલમાં તે CBSE બોર્ડની પરીક્ષા આપી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના 5 માર્ચની વહેલી સવારે બની હતી. શાળાના એક શિક્ષકના વોટ્સએપ પર અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી ધમકીભર્યો મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખવામાં આવ્યું હતું કે આવતીકાલે શાળાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દેવામાં આવશે. મેસેજ મળ્યા બાદ શાળાના શિક્ષકોએ તરત જ આ બાબત વહીવટીતંત્ર અને પોલીસને જાણ કરી હતી.

શિક્ષક સંતોષકુમાર શૈલેષકુમાર તિવારીએ જણાવ્યું કે તેઓ સવારે લગભગ 8 વાગ્યે સ્કૂલ પહોંચ્યા બાદ મેસેજ જોયો હતો. મેસેજ અજાણી ભાષામાં હોવાથી ગૂગલ ટ્રાન્સલેટની મદદથી તેનો અર્થ સમજાયો. ત્યારબાદ તરત જ શાળાના પ્રિન્સિપાલને જાણ કરી અને થોડા સમય પછી પોલીસને માહિતી આપવામાં આવી હતી.

માહિતી મળતા જ મકરપુરા પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડની ટીમ શાળાના કેમ્પસમાં પહોંચી હતી. સમગ્ર સંકુલ તથા આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમય સુધી તપાસ કર્યા બાદ પણ કોઈ વિસ્ફોટક સામગ્રી કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. જેથી આ ધમકી ખોટી હોવાની શક્યતા વધુ મજબૂત બની હતી.

ઘટનાને ગંભીરતાથી લઈને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મેસેજ મોકલનાર નંબર અને ડિજિટલ ટ્રેસિંગના આધારે એક વિદ્યાર્થી સુધી પોલીસ પહોંચી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે તેણે પરીક્ષા આપવી ન પડે તે માટે આ પ્રકારનો મેસેજ મોકલ્યો હતો.

આ ઘટનાએ શાળા તંત્ર અને વાલીઓમાં ચિંતા ફેલાવી છે. પોલીસનું કહેવું છે કે આવી ખોટી ધમકી કે મજાકના નામે કરવામાં આવતી પ્રવૃત્તિ કાયદેસર ગુનો ગણાય છે. હાલ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મામલે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now