Cockroach Janata Party: દેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક દિવસોથી એક નવા નામે ભારે ચર્ચા જગાવી છે—‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP). સોશિયલ મીડિયા પર અચાનક ઉભી થયેલી આ પાર્ટી થોડા જ દિવસોમાં લાખો યુવાનોને પોતાની સાથે જોડવામાં સફળ રહી છે. એક તરફ પરંપરાગત રાજકીય પક્ષો પ્રત્યે યુવાનોમાં વધતી નિરાશા અને ગુસ્સો છે, તો બીજી તરફ આ પાર્ટી પોતાને ‘જેન-ઝી’ પેઢીના અવાજ તરીકે રજૂ કરી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ એટલો ઝડપી રહ્યો કે ઘણા લોકો માટે આ વિશ્વાસ કરવો મુશ્કેલ બની ગયો છે. માત્ર થોડા દિવસોમાં મિલિયન ફોલોઅર્સ, હજારો સ્વયંસેવકો અને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા—આ બધાની પાછળ છે 30 વર્ષીય ભારતીય યુવાન અભિજીત દીપકે, જેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ (PR)માં માસ્ટર્સ પૂર્ણ કર્યા બાદ અચાનક રાજકીય અભિયાન શરૂ કરી દીધું. તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) દ્વારા સોશિયલ મીડિયા પર સક્રિય યુવાનો અંગે કરાયેલી એક ટિપ્પણી બાદ આ આખું આંદોલન જન્મ્યું હોવાનું કહેવાય છે. અભિજીતનો દાવો છે કે, દેશના યુવાનોની અવગણના અને તેમના અવાજને નબળો પાડવાના પ્રયાસો સામે હવે નવી પેઢી ખુલીને વિરોધ નોંધાવી રહી છે.
કોણ છે ‘કોકરોચ જનતા પાર્ટી’ના ફાઉન્ડર અભિજીત?
એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં અભિજીત દીપકે હાલમાં 30 વર્ષના છે અને તેમણે તાજેતરમાં અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. તેઓ કહે છે કે, થોડા દિવસ પહેલાં સુધી તેઓ નોકરી માટે અરજી કરી રહ્યા હતા, પરંતુ અચાનક બનેલી પરિસ્થિતિએ તેમનું જીવન જ બદલાવી દીધું. ‘અસલી કોકરોચ કોણ?’ એવા સવાલ પર અભિજીતે કહ્યું કે, “હા, હું જ કોકરોચ છું. જો યુવાનો પોતાની વાત રાખે અને તેના માટે તેમને અપમાનજનક શબ્દો સાંભળવા પડે, તો હું મારી ઓળખ સ્વીકારવા તૈયાર છું.”
‘કોકરોચ’ શબ્દથી નહીં, પરંતુ CJIની ટિપ્પણીથી લાગ્યો ઝટકો
અભિજીત કહે છે કે તેમને ‘કોકરોચ’ શબ્દથી કોઈ વ્યક્તિગત વાંધો નહોતો, પરંતુ દેશના મુખ્ય ન્યાયાધીશ જેવા બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ દ્વારા આવી ભાષાનો ઉપયોગ કરાયો તે વધારે ચોંકાવનારું હતું.
તેમના મતે, જે વ્યક્તિ દેશના નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરે છે, જો તે જ યુવાનોની સરખામણી ‘પરજીવી’ અથવા ‘કોકરોચ’ સાથે કરે તો એ ખૂબ દુખદ બાબત છે. અભિજીતનું કહેવું છે કે જો આ ટિપ્પણી કોઈ રાજકીય નેતાએ કરી હોત તો કદાચ એટલો મોટો વિવાદ ઊભો ન થયો હોત.
શું અરવિંદ કેજરીવાલ જોડાશે આ પાર્ટી સાથે?
આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ અંગે પૂછાયેલા સવાલ પર અભિજીતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ પણ રાજકીય પક્ષ તેમનું સમર્થન આપવા માગે તો આપી શકે છે, પરંતુ ‘જેન-ઝી’ પેઢીના યુવાનો સ્થાપિત રાજકીય પક્ષોને આ આંદોલનનો ભાગ બનાવવા માંગતા નથી. ઉલ્લેખનીય છે કે, અભિજીત અગાઉ 2020થી 2023 દરમિયાન આમ આદમી પાર્ટી સાથે ટૂંકા ગાળે જોડાયેલા હતા. તેમણે કહ્યું કે તેઓ કેજરીવાલના શિક્ષણ અને આરોગ્ય મોડલથી પ્રભાવિત થયા હતા, પરંતુ બાદમાં વ્યક્તિગત અને આર્થિક સ્થિરતા માટે અલગ માર્ગ પસંદ કર્યો.
શું ભારતનું ‘જેન-ઝી’ હવે સક્રિય થઈ રહ્યું છે?
બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં યુવાનો દ્વારા થયેલા મોટા આંદોલનો બાદ સોશિયલ મીડિયા પર વારંવાર પ્રશ્ન પૂછાતો હતો કે “ભારતનું Gen-Z ક્યાં છે?” આ સવાલના જવાબમાં અભિજીતે કહ્યું કે ભારતનું Gen-Z હંમેશાથી હાજર હતું, પરંતુ હવે તે ખુલીને બોલવાનું શરૂ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે માત્ર ત્રણ દિવસમાં લાખો લોકોનું સમર્થન મળવું કોઈ આયોજનબદ્ધ અભિયાનથી શક્ય નથી, પરંતુ તે યુવાનોના અંદર વર્ષોથી દબાયેલા ગુસ્સાનો વિસ્ફોટ છે.
આ પણ વાંચો: "નમાઝીઓ પર બોમ્બમારો કરનાર દેશ માનવ અધિકારની વાત ન કરે": યુએનમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું
માત્ર સોશિયલ મીડિયા ટ્રેન્ડ કે લાંબી રેસનો ખેલાડી?
ઘણા લોકો માને છે કે આ માત્ર સોશિયલ મીડિયા પરનો ટૂંકા ગાળાનો ટ્રેન્ડ છે. આ મુદ્દે અભિજીતે સ્વીકાર્યું કે આ એક મોટો પડકાર છે, પરંતુ તેઓ રજિસ્ટર્ડ સભ્યો સુધી પહોંચી તેમની સમસ્યાઓ સાંભળીને આગળની દિશા નક્કી કરશે. તેમના મતે, દેશના યુવાનોમાં સૌથી મોટી ફરિયાદ એ છે કે તેમની વાત કોઈ સાંભળતું નથી અને રાજકીય વ્યવસ્થામાં તેમની હાજરીને ગંભીરતાથી લેવામાં આવતી નથી.
શું છે ‘કોકરોચ જનતા પાર્ટી’નું 5-પોઈન્ટ એજન્ડા?
પાર્ટીની વેબસાઇટ પર જાહેર કરાયેલા પાંચ મુદ્દાના એજન્ડાએ પણ ચર્ચા જગાવી છે. તેમાં નિવૃત્તિ બાદ મુખ્ય ન્યાયાધીશોને સરકારી પદ ન આપવા, ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ સામે કડક કાર્યવાહી, મહિલાઓને 50 ટકા પ્રતિનિધિત્વ, તેમજ મોટા ઉદ્યોગપતિઓના માલિકીના મીડિયા પર નિયંત્રણ જેવા મુદ્દાઓ સામેલ છે. આ મુદ્દાઓ વ્યવહારિક છે કે માત્ર ચર્ચા જગાવવા માટે—તેના જવાબમાં અભિજીત કહે છે કે આ ‘આદર્શ ભારત’ની દિશામાં વિચારવાનો પ્રયાસ છે. તેઓ એવો દેશ ઇચ્છે છે જ્યાં ન્યાયપાલિકા, ચૂંટણી પંચ અને મીડિયા જેવી સંસ્થાઓ સંપૂર્ણ સ્વતંત્ર રીતે કાર્ય કરે.
શું થોડા દિવસોમાં ઠંડું પડી જશે આ આંદોલન?
ટીકાકારોનો દાવો છે કે આજની પેઢી સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરે છે, પરંતુ મેદાનમાં ઉતરતી નથી. જોકે અભિજીત આ વાતથી અસહમત છે. તેઓ કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં યુવાનો ખુલ્લેઆમ પોતાની વાત રાખવા લાગ્યા છે અને ભવિષ્યમાં જો તેઓ રસ્તા પર ઉતરશે તો તે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકશાહી માધ્યમથી જ થશે. તેમણે ઉમેર્યું કે, આ પેઢી પોતાના બંધારણીય અધિકારોને સારી રીતે સમજે છે અને વિરોધ પણ જવાબદારીપૂર્વક કરવા માગે છે.
CJIની સ્પષ્ટતા બાદ પણ શા માટે યથાવત વિરોધ?
મુખ્ય ન્યાયાધીશે બાદમાં સ્પષ્ટતા આપ્યા છતાં અભિજીતનું માનવું છે કે, તે વધુ નિરાશાજનક હતી. તેમના મતે, જો ટિપ્પણીનો અર્થ ડિગ્રી વગરના અથવા ગરીબ વર્ગના યુવાનો તરફ હતો, તો તે વધુ ગંભીર પ્રશ્ન ઉભો કરે છે.
અભિજીત કહે છે કે, ગ્રામિણ ભારતના અનેક યુવાનો પાસે મોટી ડિગ્રી મેળવવાની સુવિધા નથી, છતાં તેમને લોકશાહીમાં પોતાની વાત કહેવાનો સંપૂર્ણ અધિકાર છે. તેઓ સવાલ ઉઠાવે છે કે શું અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર ડિગ્રીધારકો માટે જ છે?
યુવાનોના ગુસ્સાથી ઊભેલી નવી રાજકીય લહેર?
હાલ માટે ‘કોકરોચ જનતા પાર્ટી’ માત્ર સોશિયલ મીડિયા સનસનાટી છે કે આવનારા સમયમાં ખરેખર રાજકીય શક્તિ બનશે, તે કહેવું વહેલું છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે—દેશના યુવાનોમાં રહેલો અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે અને પરંપરાગત રાજકારણ માટે આ એક ચેતવણી સમાન બની શકે છે.





