Home National Who Is Abhijeet Deepke Founder Of Cockroach Janata Party Cjp Viral

સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી'નો ભારે ટ્રેન્ડ : માત્ર ગણતરીના કલાકોમાં 10 મિલિયન ફોલોઅર્સ, જાણો કોણ છે આ અનોખી પાર્ટીના સ્થાપક

Cockroach Janata Party
Published by: Nirali Gohil
Last Updated: May 21, 2026, 03:49 AM IST

ભારતીય રાજકારણમાં દરરોજ નવા ગઠબંધન અને નવી પાર્ટીઓ બનતી તમે જોઈ હશે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક એવી ડિજિટલ પાર્ટીએ ધૂમ મચાવી છે જેનું નામ સાંભળીને જ કોઈપણ ચોંકી જાય. આ પાર્ટીનું નામ છે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP). આ કોઈ સત્તાવાર ચૂંટણી લડનારી પાર્ટી નથી, પરંતુ દેશના યુવાનો દ્વારા શરૂ કરવામાં આવેલી એક પેરોડી (વ્યંગાત્મક) ઝુંબેશ છે. આ અજીબોગરીબ નામવાળી પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એવો તે તરખાટ મચાવ્યો છે કે માત્ર ગણતરીના કલાકોમાં જ તેના 10 મિલિયનથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. એટલું જ નહીં, આ પાર્ટીની સત્તાવાર વેબસાઇટ પર અત્યાર સુધીમાં લાખોથી વધુ લોકો સભ્ય તરીકે રજિસ્ટ્રેશન પણ કરાવી ચૂક્યા છે. આ અનોખા કન્સેપ્ટ પાછળ દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતનું એક નિવેદન જવાબદાર છે. તેમણે દેશના યુવાનોના સંદર્ભમાં 'કોકરોચ' (વાંદો) જીવનો ઉલ્લેખ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ એક નવું ડિજિટલ આંદોલન બની ગયું. આવો જાણીએ કે આ અજીબોગરીબ આઈડિયા કોનો છે, તેના સ્થાપક કોણ છે અને આ પાર્ટીમાં જોડાવા માટેની શરતો શું છે.

CJIના નિવેદનમાંથી કેવી રીતે આવ્યો 'કોકરોચ જનતા પાર્ટી'નો આઈડિયા?

કોકરોચ જનતા પાર્ટી બનાવવાનો વિચાર મહારાષ્ટ્રના યુવાન અભિજીત દીપકેને આવ્યો હતો. તાજેતરમાં જ દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતે દેશના યુવાનો અને તેમની સ્થિતિ અંગે વાત કરતી વખતે 'કોકરોચ' શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ નિવેદન સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ યુવાનોમાં ભારે ચર્ચા જાગી. અભિજીત દીપકેએ આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકોના અભિપ્રાય માંગ્યા અને યુવાનોના ગુસ્સા તથા અસંતોષને એક મનોરંજક અને વ્યંગાત્મક વળાંક આપવાનું વિચાર્યું. બસ, આ વિચારમાંથી જ જન્મ થયો 'કોકરોચ જનતા પાર્ટી'નો. શરૂઆતમાં આ માત્ર એક ડિજિટલ મજાક લાગતી હતી, પરંતુ જોતજોતામાં તે લાખો યુવાનોનો અવાજ બની ગઈ.

પાર્ટીમાં જોડાવા માટેની અજીબોગરીબ શરતો: આળસુ અને બેરોજગાર હોવું જરૂરી!

પાર્ટીનું નામ જેટલું વિચિત્ર છે, તેમાં જોડાવા માટેના નિયમો અને શરતો પણ એટલી જ હાસ્યાસ્પદ અને અનોખી રાખવામાં આવી છે. જો તમારે આ પાર્ટીના સભ્ય બનવું હોય તો તમારી પાસે નીચેની 'લાયકાત' હોવી જરૂરી છે:

  • તમારું આળસુ હોવું અનિવાર્ય છે.

  • તમે બેરોજગાર (Unemployed) હોવા જોઈએ.

  • તમે ચોવીસે કલાક સોશિયલ મીડિયા પર એક્ટિવ (ઓનલાઇન) રહેતા હોવા જોઈએ.

આ શરતો વાસ્તવમાં દેશમાં વધી રહેલી બેરોજગારી અને યુવાનોની ઓનલાઇન લાઈફસ્ટાઈલ પર એક તીખો કટાક્ષ છે, જેને કારણે દેશભરના લાખો યુવાનો આ ઝુંબેશ સાથે કનેક્ટ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: દેશભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ!: 8 રાજ્યોમાં લૂનો ખતરો, 17 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીની ખતરનાક ચેતવણી

મહુઆ મોઇત્રા સહિતના દિગ્ગજ રાજનેતાઓ પણ આ ઝુંબેશમાં જોડાયા

આ ડિજિટલ ટ્રેન્ડની લોકપ્રિયતા એટલી ઝડપથી વધી કે માત્ર સામાન્ય યુવાનો જ નહીં, પરંતુ દેશના મોટા ગજાના રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ પણ આ પેરોડી પાર્ટીના ફેન બની ગયા છે. ઇન્સ્ટાગ્રામ પર માત્ર થોડા જ કલાકોમાં આટલો મોટો આંકડો પાર કરનાર આ પેરોડી એકાઉન્ટ સાથે ટીએમસી (TMC)ના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રા અને પૂર્વ ક્રિકેટર તથા રાજનેતા કીર્તિ આઝાદ જેવા દિગ્ગજો પણ જોડાયા છે અને તેમણે આ અનોખી ઝુંબેશને સમર્થન આપ્યું છે.

કોણ છે 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકે?

આ ડિજિટલ તોફાન લાવનાર યુવાન અભિજીત દીપકે મૂળ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર (પૂર્વ ઔરંગાબાદ)ના વતની છે. તેઓ ઉચ્ચ અભ્યાસ (ગ્રેજ્યુએશન) માટે પુણે ગયા હતા. અભિજીતને રાજકીય વ્યૂહરચના અને કોમ્યુનિકેશનમાં પહેલેથી જ રસ રહ્યો છે, તેઓ થોડા સમય માટે આમ આદમી પાર્ટી (AAP)ની સેન્ટ્રલ કોમ્યુનિકેશન ટીમમાં પણ સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. ત્યારબાદ, શિક્ષણ પ્રત્યેના લગાવને કારણે તેઓ વધુ અભ્યાસ માટે અમેરિકાની પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સિટી (Boston University) ચાલ્યા ગયા. હાલમાં તેઓ છેલ્લા બે વર્ષથી અમેરિકામાં રહીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી રહ્યા છે અને ત્યાં બેઠા બેઠા જ તેમણે ભારતના ડિજિટલ સ્પેસમાં આ ખળભળાટ મચાવ્યો છે.

આ પણ વાંચો: આજે મોદી સરકારની હાઈ લેવલ બેઠક!: મંત્રીઓ રજૂ કરશે બે વર્ષનો રિપોર્ટ કાર્ડ, જાણો શું થશે મોટા નિર્ણયો

GenZ યુવાનોનો વિરોધ કરવાનો તદ્દન નવો અને 'વ્યંગાત્મક' અંદાજ

તાજેતરના સમયમાં વૈશ્વિક સ્તરે જોવા મળ્યું છે કે GenZ (આજની પેઢીના યુવાનો) પોતાની માંગણીઓ માટે રસ્તા પર ઉતરીને ઉગ્ર પ્રદર્શનો કરે છે. પરંતુ ભારતમાં 'કોકરોચ જનતા પાર્ટી'ના માધ્યમથી GenZ યુવાનોએ વિરોધ પ્રદર્શનની તદ્દન નવી અને અનોખી રીત અપનાવી છે. તેઓ કોઈપણ પ્રકારની હિંસા કે ઉગ્રતા વગર, માત્ર મીમ્સ (Memes), રીલ્સ અને વ્યંગાત્મક અંદાજમાં સરકાર અને સિસ્ટમને અણીયારા સવાલો પૂછી રહ્યા છે. સોશિયલ મીડિયા નિષ્ણાતોના મતે, આ પ્રકારનો ડિજિટલ વિરોધ લાંબા સમય સુધી લોકોના મગજ પર અસર છોડે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now