Home Gujarat Ahmedabad Kisan Adhikar Yatra Ahmedabad Gandhinagar Farmer Protest Tractor Rally

ખેડૂતના ટ્રેક્ટર સામે પોલીસનું JCB : અમદાવાદમાં કિસાન અધિકાર યાત્રા દરમિયાન ઘર્ષણ, કોંગ્રેસની સભામાં હોબાળો

ખેડૂત રેલીની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 15, 2026, 12:41 PM IST

અમદાવાદ-ગાંધીનગર માર્ગ પર રવિવારે ખેડૂતોના પ્રશ્નોને લઈને યોજાયેલી કોંગ્રેસની 'કિસાન અધિકાર યાત્રાટ દરમિયાન તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કાઢવાના આયોજન વચ્ચે પોલીસ દ્વારા રેલીને આગળ વધતી અટકાવવામાં આવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો જોવા મળ્યા હતા. એક સમયે સ્થિતિ એવી બની હતી કે ખેડૂતોના ટ્રેક્ટર અને પોલીસ દ્વારા રસ્તા પર મૂકવામાં આવેલા JCB આમને-સામને આવી ગયા હતા.

ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને કોંગ્રેસ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં રાજ્યના 20થી વધુ ખેડૂત સંગઠનો જોડાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસે ખેડૂતોના હિતને લગતી પાંચ મુખ્ય માંગણીઓ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવાની જાહેરાત કરી હતી.

કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઈ, ખેડૂત આગેવાન પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટીયા તેમજ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો આ યાત્રાના સંકલનમાં જોડાયા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર લઈને યાત્રામાં જોડાતા સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

ઓગણજ પાસે પોલીસે રોકી રેલી

શાંતિપુરા ચોકડીથી શરૂ થયેલી ટ્રેક્ટર રેલી જ્યારે ઓગણજ નજીક આવેલા શતાબ્દી મહોત્સવ મેદાન વિસ્તારમાં પહોંચી ત્યારે પોલીસ દ્વારા તેને ગાંધીનગર તરફ આગળ વધવાની મંજૂરી ન હોવાનું જણાવી રોકી દેવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહી બાદ ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ હતી.

ખેડૂતોનો એક જૂથ ગાંધીનગર સુધી પહોંચવાની જીદ પર અડગ રહ્યો હતો. બીજી તરફ પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મક્કમ રહી હતી. પરિણામે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધક્કામુક્કી જેવી સ્થિતિ સર્જાઈ હતી.

સ્થળ પર હાજર રહેલા લોકોના જણાવ્યા અનુસાર થોડા સમય માટે સમગ્ર વિસ્તાર તણાવગ્રસ્ત બની ગયો હતો. ખેડૂતો દ્વારા ટ્રેક્ટરો આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્યારે પોલીસે તેમને રોકવા માટે કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ પણ વાંચો: ખેડૂત રેલીમાં કોંગ્રેસના ટ્રેક્ટર સામે મેદાનમાં ઉતર્યું પોલીસનું JCB! : ગાંધીનગર જતાં પહેલા રસ્તામાં જ થઈ ગઈ જોવા જેવી

JCB આડું મૂકાતા ખેડૂતોનો વિરોધ

પોલીસે ટ્રેક્ટર રેલીને આગળ વધતી અટકાવવા માટે રસ્તા પર JCB આડું મૂકી દીધું હતું. તેના વિરોધમાં ખેડૂતો દ્વારા પણ પોતાના ટ્રેક્ટરો રસ્તા પર આડા મૂકી દેવામાં આવ્યા હતા. જેના કારણે કેટલાક સમય માટે અમદાવાદ રિંગ રોડ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ઓગણજ ટોલ ટેક્સથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતો માર્ગ થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી. વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને લાંબી ટ્રાફિક કતારો જોવા મળી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન પોલીસ સતત ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરતી રહી હતી. જોકે ખેડૂતોનો એક વર્ગ ગાંધીનગર સુધી પહોંચ્યા વગર પાછો ફરવા તૈયાર ન હતો.

આ પણ વાંચો: "ખેડૂતો માટે CM ભૂપેન્દ્ર પટેલે ઉદાર મનથી કામ કર્યું" : કિસાન રેલી વચ્ચે હર્ષ સંઘવીનો કોંગ્રેસ પર આકરો પ્રહાર

ખેડૂતોમાં મતભેદ

ઘર્ષણ દરમિયાન ખેડૂતોમાં પણ બે અલગ અભિપ્રાય જોવા મળ્યા હતા. કેટલાક ખેડૂતો ટ્રેક્ટર સાથે ગાંધીનગર પહોંચવાની માંગ પર અડગ રહ્યા હતા, જ્યારે અન્ય કેટલાક આગેવાનો દ્વારા સમજાવટ બાદ સભા સ્થળે જવા તૈયાર થયા હતા. ટ્રેક્ટર લઈને આગળ જઈ શકતા ન હોવાથી ખેડૂતોનો એક જૂથ પગપાળા ગાંધીનગર તરફ કૂચ કરવા નીકળી ગયો હતો. આ ઘટનાએ સમગ્ર કાર્યક્રમની દિશા બદલી નાખી હતી અને આયોજનમાં અવ્યવસ્થા સર્જાઈ હતી. કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને શાંત પાડવાનો પ્રયાસ કરતા રહ્યા હતા, પરંતુ સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી શકી નહોતી.

કોંગ્રેસની સભામાં સર્જાયો અવ્યવસ્થાનો માહોલ

રેલી બાદ યોજાનારી સભા પણ વિવાદો અને હોબાળાના કારણે અસરગ્રસ્ત બની હતી. ખેડૂતોના એક વર્ગ દ્વારા સતત વિરોધ અને નારાજગી વ્યક્ત કરવામાં આવતા કાર્યક્રમનો માહોલ બગડી ગયો હતો. રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અમિત ચાવડા કાર્યક્રમમાં લાંબું સંબોધન કર્યા વગર જ સ્થળ પરથી નીકળી ગયા હતા. બીજી તરફ ખેડૂત આગેવાન પાલ આંબલિયા ખેડૂતોને સંબોધન કરતી વખતે ભાવુક બની ગયા હતા અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હોવાનું જોવા મળ્યું હતું. આ ઘટનાએ કાર્યક્રમના રાજકીય સંદેશ કરતાં વધુ ચર્ચા તેની અવ્યવસ્થા અને ઘર્ષણને લઈને ઉભી કરી છે.

આ પણ વાંચો: ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં કોંગ્રેસ-AAP વચ્ચે બાકાઝીકી! : "રાહુલ ગાંધીના ઇશારે આંદોલનને હાઈજેક કરી તૈયાર ભાણે બેસવા માંગે છે કોંગ્રેસ", AAPનો આક્ષેપ

ખેડૂતોની માંગણીઓ ફરી ચર્ચામાં

કોંગ્રેસ અને ખેડૂત સંગઠનો દ્વારા ખેડૂતોના હકો, ખેતીના ખર્ચ, પાકના ભાવ, જમીન સંબંધિત પ્રશ્નો અને કૃષિ નીતિઓને લઈને સરકાર સામે અનેક માંગણીઓ ઉઠાવવામાં આવી છે. યાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોના પ્રશ્નોને રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો હતો. જોકે, રેલી દરમિયાન સર્જાયેલા વિવાદ અને પોલીસ સાથેના ઘર્ષણને કારણે ખેડૂતોના મૂળ મુદ્દાઓ કરતાં સમગ્ર ઘટનાક્રમ વધુ ચર્ચામાં રહ્યો છે.

આગામી દિવસોમાં રાજકીય ઘમાસાણની શક્યતા

અમદાવાદમાં બનેલી આ ઘટનાને લઈને આગામી દિવસોમાં રાજકીય પ્રતિક્રિયાઓ વધુ તેજ બનવાની શક્યતા છે. કોંગ્રેસે ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નો અને તેમના હિતોના મુદ્દાને રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now