Home Gujarat Ahmedabad Ahmedabad Air India Ai171 Crash Final Investigation

અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની અંતિમ તપાસ રિપોર્ટમાં વિલંબ : 'ઝડપ નહીં, સત્ય વધુ મહત્વનું', નાગરિક ઉડ્ડયન મંત્રીનું નિવેદન

પ્લેન ક્રેશની છબી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 15, 2026, 11:41 AM IST

અમદાવાદમાં એર ઈન્ડિયાના AI171 વિમાન દુર્ઘટનાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અકસ્માતની અંતિમ તપાસ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ મામલે દેશભરમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ખાસ કરીને દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મુસાફરો અને ક્રૂ સભ્યોના પરિવારજનો અંતિમ સત્ય જાણવા આતુર છે. આ વચ્ચે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જરાપુ રામમોહન નાયડૂએ તપાસ રિપોર્ટમાં થઈ રહેલા વિલંબ અંગે સ્પષ્ટતા કરી છે.

એક મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર માટે તપાસ ઝડપથી પૂર્ણ કરવી મહત્વની નથી, પરંતુ દુર્ઘટનાનું સાચું કારણ શોધવું વધુ જરૂરી છે. તેમના જણાવ્યા અનુસાર, અકસ્માત પાછળના દરેક કારણને વૈજ્ઞાનિક અને તકનીકી રીતે સમજવું આવશ્યક છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ફરી ન બને.

'દુર્ઘટનાનું સાચું કારણ જાણવું જરૂરી'

નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડૂએ જણાવ્યું કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા તપાસ સતત આગળ વધી રહી છે અને આગામી કેટલાક મહિનાઓમાં અંતિમ રિપોર્ટ જાહેર થઈ શકે છે. તેમણે કહ્યું કે કોઈપણ વિમાન દુર્ઘટનાની તપાસમાં ઉતાવળ કરવી યોગ્ય નથી. દરેક પુરાવા, ટેક્નિકલ માહિતી અને માનવીય પરિબળોની ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ જ વિશ્વસનીય નિષ્કર્ષ પર પહોંચી શકાય. સરકાર ઈચ્છે છે કે તપાસ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ સંપૂર્ણ પારદર્શિતા અને વ્યાવસાયિકતા સાથે પૂર્ણ થાય.

પ્રથમ વરસી પર મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ

દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે મંત્રીએ સોશિયલ મીડિયા પર મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તપાસ હજુ પણ ચાલુ છે અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન નિયમો અનુસાર દરેક પાસાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકારનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં હવાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો છે. તપાસ પૂર્ણ થયા બાદ તેના તારણોના આધારે જરૂરી સુધારાત્મક અને સુરક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

એક વર્ષથી ચાલતી તપાસમાં અનેક પાસાઓની ચકાસણી

એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા 12 જૂને જાહેર કરાયેલા નિવેદન અનુસાર, છેલ્લા એક વર્ષ દરમિયાન તપાસ ટીમે દુર્ઘટનાના દરેક પાસાની વિગતવાર તપાસ કરી છે. તપાસમાં વિમાનની ટેક્નિકલ સ્થિતિ, ફ્લાઇટ ઓપરેશન પ્રક્રિયા, એરલાઇનની આંતરિક વ્યવસ્થા, માનવીય ભૂલની શક્યતા, વિમાનના વિવિધ સિસ્ટમ્સ, ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR), કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR), એન્જિનના ભાગો, જાળવણી સંબંધિત દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તપાસમાં દેશ-વિદેશના અનેક ટેક્નિકલ નિષ્ણાતો અને ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલી સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો: અમેરિકામાં ભયાનક વિમાન દુર્ઘટના, 12 લોકોના મોત : સ્કાઈ ડાઈવિંગ કરવા ઉપર જઈ રહ્યા હતા, જાણો ક્યારે-કેવી રીતે-ક્યાં થયું ક્રેશ?

જુલાઈ 2025માં જાહેર થઈ હતી પ્રાથમિક રિપોર્ટ

દુર્ઘટના બાદ AAIB દ્વારા 12 જુલાઈ 2025ના રોજ પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં માત્ર પ્રારંભિક હકીકતો અને ઘટનાક્રમની માહિતી આપવામાં આવી હતી. જોકે દુર્ઘટનાનું ચોક્કસ કારણ કે જવાબદારી અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ રજૂ કરવામાં આવ્યો નહોતો.

હાલ તપાસ ટીમ દ્વારા એકત્રિત કરવામાં આવેલા તમામ પુરાવા અને ટેક્નિકલ પરીક્ષણોના પરિણામોનું વિસ્તૃત વિશ્લેષણ ચાલી રહ્યું છે. જ્યાં જરૂરી જણાશે ત્યાં વધારાની લેબોરેટરી તપાસ અને નિષ્ણાત અભિપ્રાય પણ લેવામાં આવશે.

તપાસનો હેતુ દોષારોપણ નહીં, સુરક્ષા સુધારવાનો

AAIBએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વિમાન દુર્ઘટનાની તપાસનો મુખ્ય હેતુ કોઈ વ્યક્તિ, પાઇલટ, એરલાઇન અથવા સંસ્થાને દોષિત ઠેરવવાનો નથી. તપાસનો ઉદ્દેશ દુર્ઘટનાના મૂળ કારણો શોધી કાઢવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવા માટે જરૂરી સલામતી સુધારાઓ સૂચવવાનો છે. આ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના નિયમો અનુસાર હાથ ધરવામાં આવે છે.

આ પણ વાંચો: "તેઓ કોઈ ચોક્કસ તારણ પર પહોંચવા માંગતા નથી..." : અમદાવાદ પ્લેન ક્રેશમાં પુત્ર ગુમાવનાર પિતાની વેદના છલકાઈ, તપાસની ધીમી ગતિ સામે વ્યક્ત કર્યો અસંતોષ

260 લોકોએ ગુમાવ્યો હતો જીવ

ઉલ્લેખનીય છે કે 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું AI171 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં કુલ 260 લોકોના મોત થયા હતા, જેમાં મુસાફરો, ક્રૂ સભ્યો અને જમીન પર હાજર કેટલાક લોકોનો પણ સમાવેશ થતો હતો. આ ઘટના ભારતના તાજેતરના ઈતિહાસની સૌથી ગંભીર હવાઈ દુર્ઘટનાઓમાંની એક ગણાય છે. એક વર્ષ વીતી જવા છતાં મૃતકોના પરિવારજનો અને સમગ્ર દેશ હજુ પણ અંતિમ તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે.

હવે નજર અંતિમ રિપોર્ટ પર

તપાસ હજુ ચાલુ હોવાથી દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાહેર થયું નથી. જોકે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને AAIB બંનેએ સ્પષ્ટ કર્યું છે કે તમામ પુરાવાઓની ચકાસણી પૂર્ણ થયા બાદ જ અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. હવે સમગ્ર ઉડ્ડયન ક્ષેત્ર, મૃતકોના પરિવારજનો અને સામાન્ય જનતાની નજર એ બાબત પર છે કે અંતિમ રિપોર્ટમાં દુર્ઘટનાના કયા કારણો સામે આવે છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કયા સુધારાત્મક પગલાં સૂચવવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now